Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આજે પંત અને પુછડીયા બેટસમેનોએ જવાબદારીભરી બેટીંગ કરવી પડશે

લોર્ડસ ટેસ્ટમાં ચોથા દિવસે ભારત બીજી ઈનિંગમાં ૧૮૧/૬: બેટસમેનોએ નિરાશ કર્યાઃ ૧૫૪ રનની લીડ : જો જલ્દી ઓલઆઉટ થઈ જશું તો બોલરોએ જાનદાર બોલીંગ કરવી પડશે, તો જ મેચ જીતી શકીશું: પંત અને ઈશાંત ક્રીઝ ઉપર છે

નવીદિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ ટેસ્ટ મેચની ચોથા દિવસની રમતના  અંતે ભારતીય ટીમે બીજી ઇનીંગમાં ૧૮૧ રન ૬ વિકેટ ગુમાવીને કર્યા હતા. દીવસભરની રમત બાદ પણ ૨૦૦ના આંકને પાર કરી શકાયો નહોતો. ટીમ ઈન્ડિયા માટે આજનો દિવસ મહત્વનો રહેશે. પંતને જવાબદારીપૂર્વક ઈનિંગ રમવી પડશે. ભારતને ૧૫૪ રનની લીડ મળી છે.

ચોથા દિવસની રમતની શરુઆત કેએલ રાહુલઅને રોહિત શર્માએ કરી હતી. ભારતીય ટીમે ૨૭ રનની ઇંગ્લેન્ડની સરસાઇને પાર કરવાની હતી. જે દરમ્યાન રાહુલની વિકેટ ગુમાવી હતી. ભારતે પ્રથમ વિકેટ ૧૮ રને જ ગુમાવી હતી. રાહુલે ૩૦ બોલમાં ૫ રન કર્યા હતા. ત્યાર બાદ રોહિત શર્માની વિકેટ ૨૭ રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં ગુમાવી હતી. રોહિતે ૩૬ બોલમાં ૨૧ રન કર્યા હતા. વિરાટ કોહલી પણ ૨૦ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

ટોપ ઓર્ડર આઉટ થતા ભારત ની સ્થિતી દબાણ ભરી બની ચુકી હતી. ભારતે ૫૫ ના સ્કોર પર જ ૩ વિકેટ ગુમાવી હતી. આમ હાથમાંથી સરકતી મેચને આખરે પુજારા અને રહાણેએ મેચની સ્થીતી સંભાળી લીધી હતી. ચેતેશ્વર પુજારાએ ધીરજ પુર્વકની રમત રમી હતી. ક્રિઝ પર દિવાલની માફક અડગ ઉભો રહી રહાણેને સાથ પૂરાવ્યો હતો. પુજારાએ ૪૫ રન ૨૦૬ બોલમાં કર્યા હતા. અજીંક્ય રહાણેએ ૧૪૬ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા. બંને ની જોડીએ ભારતના સ્કોર બોર્ડમાં ૧૦૦ રન ઉમેરતી ભાગીદારી રમત રમી હતી.

રવિન્દ્ર જાડેજા પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ તે સેટ થાય એ પહેલા જ મોઇન અલીનો શિકાર થયો હતો. તે બોલને સમજવામાં થાપ ખાઇ જતા કલીન બોલ્ડ થયો હતો. ઋષભ પંત ૧૪ રન અને ઇશાંત શર્મા ૪ રન સાથે રમતમાં રહ્યો હતો.

માર્ક વુડ ઇંગ્લેન્ડ માટે બીજી ઇનીંગનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ભારતની મહત્વની વિકેટો ઝડપી હતી. વુડે ઓપનીંગ જોડી તોડવા સાથે ૩ વિકેટ ઝડપી હતી. મોઇન અલીએ પણ જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે જાડેજા અને રહાણેની વિકેટ ઝડપી હતી. સેમ કરને એક વિકેટ મેળવી હતી.

(1:29 pm IST)