Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઇંગ્‍લેન્‍ડ-વેસ્‍ટ ઇન્‍ડિઝ વચ્‍ચેની બીજી ટેસ્‍ટમાંથી ઇંગ્‍લેન્‍ડના ફાસ્‍ટ બોલર જોફ્રા આર્ચરની હકાલપટ્ટીઃ સુરક્ષા નિયમનો ભંગ કરતા કરાઇ કાર્યવાહી

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર  વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. આર્ચરને કોરોના વાયરસથી બચવા માટે બનાવવામાં આવેલા બાયો-સિક્યોરિટી નિયમ તોડવાને કારણે મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેણે હવે પાંચ દિવસ માટે આઇસોલેશન પર રહેવું પડશે.

કોવિડ-19  (Covid- 19) મહામારી છતાં આ સિરીઝ રમાઇ રહી છે તથા સાઉથેમ્પ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચમાં કોઈ પ્રકારની ઘટના ઘટી નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ નિવેદનમાં કહ્યું, ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરને ટીમના જૈવ સુરક્ષિત વાતાવરણનો ભંગ કરવાને કારણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આજ (ગુરૂવાર 16 જુલાઈ)થી ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે, આર્ચરે હવે પાંચ દિવસ સુધી આઇસોલેશન પર રહેવું પડશે અને આ દમિયાન તેના કોવિડ-19 માટે બે ટેસ્ટ થશે. આ બંન્ને નેગેટિવ આવવા પર તે આઇસોલેશનમાંથી બહાર નિકળી શકશે. આર્ચરે તેની ભૂલને કારણે માફી માગી જેના વિશે ઈસીબીના નિવેદનમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી નથી.

તેણે કહ્યુ, જે કંઇ થયું તેના માટે મને દુખ છે. મેં સ્વયંને નહીં પરંતુ ટીમ અને મેનેજમેન્ટને ખતરામાં મૂક્યા. હું મારા આ કૃત્યના પરિણામને સ્વીકારુ છું અને હું જૈવ સુરક્ષિત વાતાવરણમાં રહેનાર પ્રત્યેકની ક્ષમા માગુ છું.

(5:11 pm IST)