Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ભારતના પૂર્વ કેપ્ટન કપિલદેવના ૪૩૪ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ તોડ્યો

મુંબઈ : સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને શ્રીલંકા વિરુદ્ધ ડરબનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે એક ખાસ સિદ્ધિ મેળવી લીધી છે. સ્ટેને આ શ્રીલંકાની ઈનિંગની પ્રથમ બે વિકેટો ઝડપવાની સાથે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવના 434 ટેસ્ટ વિકેટના રેકોર્ડને પાર કરી લીધો. સ્ટેને કરિયરની 92મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી લીધી છે. આ મેચ પહેલા સ્ટેનના નામે 433 વિકેટ હતી. તેણે પહેલા લાહિરુ થિરિમાને (0)ની વિકેટ સાથે કપિલ દેવની બરાબરી કરી અને બાદમાં ઓશાડા ફર્નાન્ડો (19)ની વિકેટ ઝડપીને કપિલના રેકોર્ડને તોડી નાખ્યો. બાદમાં સ્ટેને વધુ એક વિકેટ લીધી જેનાથી તેની કુલ વિકેટોનો આંકડો 436 થઈ ચૂક્યો છે.

કપિલ દેવે પોતાના કરિયરમાં કુલ 131 ટેસ્ટ રમી જેમાં તેમણે 434 વિકેટ લીધી હતી. 1994માં તેમણે પોતાની છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના મહાન બોલર સર રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. તે સમયે કપિલ સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા. જોકે, સ્ટેનના કરિયરની વાત કરીએ તો તેણે કપિલ કરતા 39 ટેસ્ટ ઓછી રમીને આટલી વિકેટો ઝડપી છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સની વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર શ્રીલંકાનો જાદુઈ બોલર મુથૈયા મુરલીધરન છે જેણે 133 ટેસ્ટમાં 800 વિકેટ ઝડપી છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો મહાન લેગ સ્પિનર શેન વોર્ન છે જેના નામે 145 ટેસ્ટમાં 708 વિકેટ છે. ત્યારબાદ ભારતના લેજેન્ડરી સ્પિનર અનિલ કુંબલેનું નામ આવે છે જે 132 ટેસ્ટમાં 619 વિકેટ ધરાવે છે. ચોથા સ્થાને ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે જેણે 148 ટેસ્ટમાં 575 વિકેટ લીધી છે. પાંચમા સ્થાને ઓસ્ટ્રેલિયાનો મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા છે જેણે 124 મેચોના કરિયરમાં 563 વિકેટો લીધી છે.

(5:39 pm IST)