Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ટીમ ઈન્ડિયાના નેતૃત્વમાં પરિવર્તન કરવા પૂર્વ ક્રિકેટર્સનો અભિપ્રાય

ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતના પરાજય બાદ ટીમમાં મોટા ફેરફારનાં એંધાણ : શ્રીકાંતના મતે હાર્દિક પંડ્યાને ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો સુકાની બનાવવો જોઈએ

નવી દિલ્હી, તા.૧૫ : નેશનલ સિલેક્શન કમિટીના પૂર્વ ચેરમેન કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું છે કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ૨૦૨૪માં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પહેલા પૂર્ણ સમયનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવવો જોઇએ. 

ભારતે ન્યુઝીલેન્ડ સામેની સીરીઝથી ટીમના પુનઃનિર્માણની પ્રક્રિયા શરૃ કરવી જોઈએ. ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાંથી ભારત બહાર ફેંકાઈ ગયું હતું, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમે ૧૦ વિકેટથી હરાવ્યું હતું. છ વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતની આ પાંચમી હાર છે.

૧૯૮૩ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના ઓપનર રહેલા શ્રીકાંતે કહ્યું, 'જો હું પસંદગી સમિતિનો અધ્યક્ષ હોત, તો મેં કહ્યું હોત કે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ ૨૦૨૪ માટે કેપ્ટન હોવો જોઈએ.  ટીમને ફરીથી બનાવવાની પ્રક્રિયા આજથી જ શરૃ થવી જોઈએ. આ કામ ન્યુઝીલેન્ડ શ્રેણીથી શરૃ થવું જોઈએ જે એક અઠવાડિયામાં શરૃ થશે.

શ્રીકાંતે કહ્યું, 'તમારે આજથી જ શરૃઆત કરવી પડશે. વર્લ્ડ કપની તૈયારી કરવા માટે તમારે વસ્તુઓને સમજવી પડશે અને તેના માટે બે વર્ષ અગાઉથી તૈયારી શરૃ કરવી પડશે. તેથી તમે જે પણ કરવા માંગો છો, પછી ભલે તે કોઈ પ્રકારનો પ્રયોગ હોય કે બીજું કંઈક તેને ૧ વર્ષની અંદર તમારે કરવુ પડશે. તમારે ૨૦૨૩ સુધીમાં ટીમ તૈયાર કરીને તેને વર્લ્ડ કપ ૨૦૨૩ માં એ ટીમ રમશે તેની ખાતરી કરો.

શુક્રવારથી શરૃ થઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ભારત ત્રણ ટી૨૦ ઈન્ટરનેશનલ અને તેટલી જ વન-ડે મેચ રમશે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટૂંકા ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરશે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન શ્રીકાંતે કહ્યું કે, ભારતે ૨૦૨૪માં યોજાનારા વર્લ્ડ કપ પહેલા વધુ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શોધવા પડશે. તમે ૧૯૮૩નો વર્લ્ડ કપ,

૨૦૧૧નો વર્લ્ડ કપ અને ૨૦૦૭નો ટી૨૦ વર્લ્ડ કપ જુઓ.

અમે શા માટે આ જીત્યા, કારણ કે, અમારી પાસે વધુ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હતા અને કેટલાક એવા ખેલાડીઓ હતા જે બેટિંગ સાથે બોલિંગ કરી શકતા હતા. તો આવા ખેલાડીઓને ઓળખો જેમાં દીપક હુડા જેવા ખેલાડીઓને અન્ય ઘણા ખેલાડીઓ ફણ હશે. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે કહ્યું કે, ભારતે માત્ર એક કેપ્ટન પર નિર્ભર ન રહેવું જોઈએ અને નેતૃત્વ કરવા માટે ટીમમાં અનેક ખેલાડીઓ હોવા જોઈએ.

ઈરફાને કહ્યું, 'હું એમ નથી કહેતો કે, જો તમે કેપ્ટન બદલો છો તો પરિણામ પણ બદલાઈ શકે છે. આ રીતે તમે પરિણામ બદલી શકતા નથી. હાર્દિક પંડ્યાના કિસ્સામાં, તમારે સમજવું જોઈએ કે, તે એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે અને તેને ઈજાઓ પણ છે. જો તમારી પાસે નેતૃત્વ કરવા માટે અન્ય કોઈ ખેલાડી ન હોય તો મુશ્કેલી થશે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલેનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ વધવા માટે મર્યાદિત ઓવરોની અને ટેસ્ટ ફોર્મેટની સંપૂર્ણપણે અલગ ટીમ હોવી જોઈએ.

કુંબલેએ કહ્યું, 'ચોક્કસપણે તમારે અલગ-અલગ ટીમોની જરૃર પડશે. તમારે ટી૨૦ નિષ્ણાતોની જરૃર છે. મને લાગે છે કે આ ઈંગ્લેન્ડની ટીમે બતાવ્યું છે અને છેલ્લા ટી-૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પણ બતાવ્યું છે કે તમારી પાસે શક્ય તેટલા ઓલરાઉન્ડર હોવા જોઈએ. તમે તેમનો બેટિંગ ઓર્ડર પર ધ્યાન આપો. આજે લિયામ લિવિંગસ્ટોન સાતમા નંબર પર બેટિંગ કરવા આવે છે. સાતમા ક્રમે લિવિંગસ્ટોન જેવો બેટ્સમેન અન્ય કોઈ ટીમ પાસે નથી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસ છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. તમારે આવી ટીમ તૈયાર કરવી પડશે.

 

(7:40 pm IST)