Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મહિલા ટીમે વન-ડે બાદ ટી-૨૦ સિરીઝ પણ ગુમાવીઃ સ્મૃતિની તોફાની ઈનિંગ એળે ગઈ

નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડની જીત, સિરીઝ પણ ૨-૧થી જીત્યુ : હરમનપ્રિત કૌર અને ઋચા ઘોષ સિવાયના બેટસમેનોનું નિરાશાજનક પ્રદર્શન

નવીદિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો, ઇંગ્લેન્ડ પ્રવાસ સિરીઝની  હાર સાથે પૂર્ણ થયો છે. મહિલા ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. બંને દેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બાદમાં વન ડે શ્રેણી ભારતે ગુમાવી અને પ્રવાસના અંતમાં ટી-૨૦ શ્રેણી ગુમાવી હતી. ટી-૨૦ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડે એ ૮ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે ૨-૧ થી સિરીઝ પોતાને નામે કરી હતી.

પ્રથમ બેટીંગ કરતા ઓપનર સ્મૃતી મંધાનાએ ૭૦ રનની મદદ થી ૧૫૩ રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ડેની વાયટ્ટે  ૮૯ રનની તોફાની રમત રમી હતી. ૨-૩ ખેલાડીને બાદ કરતા ભારતીય ટીમમાંથી કોઇ બેટ્સમેન નિરંતર યોગદાન નહી આપવાનુ ટીમને ભારે પડ્યુ હતુ. સ્મૃતી મંધાના, હરમનપ્રિત કૌર અને ઋચા ઘોષ સિવાય કોઇ પણ બેટ્સમેન યોગ્ય પ્રદર્શન કરી શકયા નહોતા.

અંતિમ ટી-૨૦ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જોકે ચોથા બોલ પર જ ટીમને શેફાલી વર્માના રુપમાં ઝટકો લાગ્યો હતો. શેફાલી શૂન્ય રન પર જ કલીન બોલ્ડ થઇ પેવેલિયન પરત ફરી હતી. હરલીન દેઓલ ૬ રન કરીને ફરી એકવાર નિરાશાજનક રમત રમી હતી. તે ચોથી ઓવરમાં પરત ફરી હતી.

ઇંગ્લેન્ડની શરૂઆત સારી પણ રહી નહોતી, પરંતુ જીત સુધી ટીમ પહોંચવામાં સફળ રહી હતી. ભારતીય બોલર દિપ્તિ શર્માએ ઓપનર ટેમી બાઉમેન્ટને ૧૧ રન પર આઉટ કરી હતી. જોકે બાદમાં ડેની વાયટ્ટ એ તોફાની બેટીંગ કરવી શરુ કરી હતી. તેણે ચારે બાજુ બાઉન્ડરી લગાવવી શરૂ કરીને ભારતીય ટીમ માટે મુશ્કેલી સર્જી હતી. તેની સાથે ઓલરાઉન્ડર નેટ સિવરે પણ મજબૂત સાથ આપ્યો હતો. સ્પિન એટેક તેમની સામે જાણે બિનઅસરકારક નિવડ્યો હતો. આમ ટી-૨૦ સિરીઝમાં પણ ભારતને ૨-૧થી પછડાટ મળી હતી.

(12:44 pm IST)