Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

તિરાડ વધી?: વિરાટ અને રોહિત એક સાથે આફ્રિકામાં રમશે નહીં

વિરાટે વન-ડે સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું, બોર્ડને કહ્યું તેની દીકરી વામિકાનો જન્મદિવસ હોય પરિવાર સાથે ઉજવવા માંગે છેઃ કોહલી મુંબઈમાં પ્રેકટીસમાં પણ જોડાયો ન હતો

નવીદિલ્હીઃ સાઉથ આફ્રિકાની મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એક સાથે નહીં રમે. આ સંજોગો છે કે કેપ્ટનશિપનો વિવાદ એ ખબર નથી, પરંતુ સાચી વાત એ છે કે, સાઉથ આફ્રિકામાં બંને ખેલાડીઓ જશે ખરા પરંતુ ટેસ્ટ અને વનડેમાં એક સાથે રમવાના નથી.

વિરાટે બોર્ડને કહ્યું કે ૧૧ જાન્યુઆરીએ તેની પુત્રી વામિકાનો પ્રથમ જન્મદિવસ હોય તે પરિવાર સાથે ઉજવવા માંગતો હોય વન-ડે સિરીઝમાં ભાગ લઈ શકશે નહી.

ભારત સૌથી પહેલાં ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. ત્યારપછી ત્રણ વન-ડે મેચોની સીરિઝ રમવાની છે. રોહિત ઘાયલ હોવાના કારણે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ વન-ડેમાંથી તેનું નામ પરત લેવાનો છે. રોહિતને તાજેતરમાં જ વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશિપ લઈને કેપ્ટન બનાવાયો છે. ત્યારથી જ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, વિરાટ પાસેથી કેપ્ટનશિપ લઈ લીધી હોવાથી તે દુઃખી છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા મેચ માટે ૧૬ ડિસેમ્બરે રવાના થવાની છે. ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચ ૨૬ ડિસેમ્બરે થવાની છે. ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી ટીમને કેપ્ટનશિપ કરશે. વન-ડે સીરિઝ ૧૯ જાન્યુઆરીથી રમાવાની શરૂ થશે. ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે વન-ડે માટે ટીમની જાહેરાત થવાની બાકી છે.

વિરાટ  વન-ડે ટીમના કેપ્ટન પદે રહેવા ઈચ્છતો હતો પરંતુ સફેદ બોલમાં બોર્ડ બે કેપ્ટન ઈચ્છતા ન હતા તેથી રોહિતને કમાન સોંપવામાં આવી હતી.

રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી એક ઈન્ટરવ્યુમાં વિરાટના વખાણ કરી ચૂકયો છે. રોહિતે કહ્યું હતું કે, કોહલીએ ૫ વર્ષ સુધી ભારતીય ટીમને ફ્રન્ટથી લીડ કરી છે. કોહલીએ દરેક મેચમાં તેનું બેસ્ટ પર્ફોમ આપવાનો ટ્રાય કર્યો છે. તેની કેપ્ટનશિપમાં ટીમે કયારેય પાછળ વળીને જોયું નથી. મારા માટે કોહલીની કેપ્ટનશિપમાં રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે. અમે બંનેએ ઘણી મેચ સાથે રમી છે અને દરેકને એન્જોય કરી છે. આગળ પણ એવું જ કરીશું. એક ટીમ તરીકે અમારે વધારે મજબૂત બનવાનું છે અને અમારૂ ફોકસ તેના પર જ છે.

(3:31 pm IST)