Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ઈંગ્લેન્ડ જીત્યું તો વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ઘટના ત્રીજી વખત થશે

નવીદિલ્હી,ઃ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ના બીજા સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્યારે હવે ફાઇનલ મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે રવિવારે ખેલાશે. ત્યારે ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ જીતી જાય તો જળવાશે આ પરંપરા...

વર્ષ ૨૦૧૧માં મુંબઇમાં રમાયેલ વર્લ્ડ કપમાં યજમાન ટીમ ભારતની જીત થઇ હતી. જ્યારે મહેમાન ટીમ શ્રીલંકાની હાર થઇ હતી. તેના પછી ૨૦૧૫માં મેલબોર્નમાં રમાયેલા વર્લ્ડ કપમાં યજમાન ટીમ ઓસ્ટ્રેલીયા જીત્યું હતું જ્યારે મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડની હાર થઇ હતી.

તેથી ૨૦૧૯માં ઇંગ્લેન્ડના લંડનમાં રમાનાર વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં યજમાન ટીમ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૫ની પરંપરા જળવાઇ શકે છે. તેથી જો ઈંગ્લેન્ડ ૨૦૧૯ની ફાઇનલ મેચ જીતી જશે તો વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ઘટના ત્રીજી વખત બનશે કે યજમાન ટીમ જીતી અને મહેમાન ટીમ હારી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ૧૧ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાઈ છે જેમાંથી સૌથી વધુ ૫ વખત ઓસ્ટ્રેલિયાએ કપ જીત્યાં છે. જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ માત્ર બે દેશો જેમને ૨ વખત વર્લ્ડ કપ જીત્યાં છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં વર્ષ ૨૦૧૧ સુધી એક અનોખો રેકોર્ડ રહ્યો હતો કે જેમાં યજમાન ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી નહોતી. ભારતે ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતીને આ રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાએ પણ જીત મેળવીને રેકોર્ડ બ્રેક કર્યો હતો.

આમ ૨૦૧૧ અને ૨૦૧૫ના વર્લ્ડ કપમાં એવું બન્યું હતું કે યજમાન ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હોય. આવામાં ૨૦૧૯માં ફરી વખત આ ઈતિહાસ રચાય એવું લાગી રહ્યું છે. એટલે જો ૨૦૧૯ વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડ મૅચ જીતી જાય છે તો આ યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ જશે.

(12:27 pm IST)