Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

10 મહિના પછી ઝીદાનને કોચ બનાવ્યો રિયલ મેડ્રિડે....

નવી દિલ્હી: ફ્રાન્સના પૂર્વ ફૂટબોલ ખેલાડી ઝિનેદીન ઝિદાનને ફરીથી રિયલ મેડ્રિડે કોચ બનાવ્યો છે. ઝિદાને ગત વર્ષે મે મહિનામાં રિયલ મેડ્રિડનું કોચપદ છોડી દીધું હતું. ઝિદાન બાદ રિયલ મેડ્રિડે બે કોચ નીમ્યા પરંતુ બંને ટીમને સફળતા અપાવવામાં નિષ્ફળ રહેતાં પદભ્રષ્ટ કરી ૧૦ મહિના બાદ ફરી ઝિદાનને કોચ બનાવ્યો છે. ઝિદાનને ફરી કોચ બનાવવાનો નિર્ણય બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠક બાદ લેવાયો હતો. ઝિદાન ૨૦૨૦ સુધી ટીમના કોચપદે રહેશે. રિયલે વર્તમાન કોચ સેન્ટિયાગો સોલારીને પદભ્રષ્ટ કર્યો હતો. તેનો કાર્યકાળ પાંચ મહિનાનો રહ્યો હતો. ઝિદાને કોચપદ છોડયું ત્યારે જુલેન લોપેતગુઈને કોચ બનાવ્યો હતો પરંતુ તેના માર્ગદર્શનમાં ટીમનો દેખાવ નિરાશાજનક રહેતાં પાંચ મહિના બાદ હટાવી દઈ સોલારીને પદે નિયુક્ત કર્યો હતો. સોલારીના આવ્યા બાદ પણ ટીમના પ્રદર્શનમાં ખાસ ફેરફાર નહોતો થયો. ટીમ દરમિયાન ચેમ્પિયન્સ લીગમાંથી બહાર થઈ ગઈ હતી જ્યારે લા લીગામાં પણ ટોચનાં સ્થાને ચાલી રહેલી બાર્સેલોના કરતાં ૧૨ પોઇન્ટ પાછળ છે. રિયલને કોપા ડેલ રેની સેમિફાઇનલમાં પણ બાર્સેલોના સામે હાર મળી હતી. ઝિદાને કહ્યું કે, ઘરે પરત ફરી ખુશ છું. હું ટીમને ફરી સ્થાને જોવા માગું છું જ્યાં તે હંમેશાં રહે છે. બહારથી ટીમના ખરાબ પ્રદર્શનને જોવું સારું નહોતું. ઝિદાન જાન્યુઆરી ૨૦૧૬થી મે ૨૦૧૮ દરમિયાન રિયલ મેડ્રિડના કોચ હતો. દરમિયાન ટીમે ચેમ્પિયન્સ લીગના ત્રણ ટાઇટલ જીત્યા હતા જ્યારે એક વખત લા લીગાનું ટાઇટલ જીત્યું હતું. સમયગાળા દરમિયાન ટીમે ૧૪૯ મેચમાંથી ૧૦૪માં જીત મેળવી હતી અને ૨૯ મેચ ડ્રો રહી હતી. ઝિદાનની કોચિંગમાં રિયલે લગભગ ૭૦ ટકા મેચ જીતી હતી. સિઝનમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ રિયલ મેડ્રિડ છોડીને ઇટાલિયન ક્લબ જુવેન્ટ્સ સાથે જોડાયો છે. જેને કારણે પણ રિયલ મેડ્રિડના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

(5:50 pm IST)