Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રવતી સમર્થ વ્યાસના ૬૬ બોલમાં ઝંઝાવાતી ૧૧૪ રન

ચેતેશ્વર પુજારા પછી રાજકોટ રેલ્વેના ગ્રાઉન્ડ ઉપર ઉભરેલી પ્રતિભા...સમર્થ વ્યાસ :ધર્મેન્દ્ર જાડેજાએ પણ માત્ર ર૬ રનમાં ૪ વિકેટ ઝડપીઃ સર્વિસીઝને ૮ વિકેટે કચડયું

રાજકોટ, તા., ૧૩:  ગઇકાલે હૈદ્રાબાદ ખાતે વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રવતી રમતા ધુંવાધાર બેટસમેન સમર્થ વ્યાસે માત્ર ૬૬ બોલમાં અણનમ ૧૧૪ ફટકારી રનનું વાવાઝોડું સર્જી દીધું હતું. સર્વિસીઝને ૮ વિકેટે કચડી વિજય હઝારે ટ્રોફીમાં કવાર્ટર ફાઇનલની આશા જીવંત રાખવામાં રાજકોટના સમર્થ વ્યાસની સાથે રાજકોટના જ ધર્મેન્દ્રસિંહ જાડડેજાએ મહત્વનો ફાળો બોલીંગ ક્ષેત્રે ભજવ્યો હતો. તેણે માત્ર ર૬ રન આપી ૪ વિકેટો ઝડપી હતી.

ઝારખંડ ઉપર સૌરાષ્ટ્રની ટીમે પ્રચંડ વિજય મેળવ્યા બાદ સર્વિસીઝ સામેના કાલના મેચમાં ૪૮.ર ઓવરમાં ૧૭૬ રનમાં સર્વિસીઝને પેવેલીયન ભેગી કરી હતી. આ ટાર્ગેટ સર કરવા મેદાન ઉપર ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ ૮ ઓવરમાં ર વિકેટ ગુમાવ્યા બાદ સમર્થ વ્યાસ અને તેને સ્ટેન્ડ આપી રહેલા કપ્તાન ચેતેશ્વર પુજારા વિજય સુધી અડીખમ ઉભા રહયા હતા. સમર્થ  વ્યાસે ૮ છગ્ગા અને ૧ર ચોગ્ગા ફટકારી ૬૬ બોલમાં ૧૧૪ રન જયારે ચેતેશ્વર પુજારાએ ૩૯ બોલમાં ૪પ નોટઆઉટ બનાવ્યા હતા. ૮૬ બોલની આ ભાગીદારીએ સૌરાષ્ટ્રને વિજય અપાવ્યો હતો. આ વિજયની સૌરાષ્ટ્રના પોઇન્ટ ૧ર થયા છે. સૌરાષ્ટ્ર હવે ૧૬ પોઇન્ટ સાથે લીડ કરી રહેલી વિદર્ભની ટીમ સામે મહત્વના લીગ મેચમં ૧૪ ફેબ્રુઆરીએ ટકરાશે.

ગઇકાલના મેચમાં લેફટઆર્મ સ્પીનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ માત્ર ર૬ રન આપી ૪ વિકેટ ખેડવી હતી. જયારે પેસર જયદેવ ઉનડકટ અને શોર્ય સાણંદીયાએ ર-ર વિકેટો ઝડપી હતી. ટોસ સર્વિસીઝની ટીમે જીતી બેટીંગ પસંદ કર્યુ હતું. ઓપનર સૌમીક ચેટર્જી પર રન સાથે તેમની ટીમમાં ટોપપર રહયા હતા.

સ્કોરઃ સર્વિસીઝ ૧૭૬/૪૮.ર ઓવર (સૌમીક ચેટર્જી-પર રન, ધર્મેન્દ્રસિંહ જાડેજા-૪/૨૬)  હારી સૌરાષ્ટ્ર ૧૮૧/૨, ર૧.૪ ઓવર (સમર્થ વ્યાસ ૧૧૪ નોટઆઉટ, ચેતેશ્વર પુજારા ૪પ નોટઆઉટ) ૮ વિકેટે સૌરષ્ટ્રનો વિજય.

(4:00 pm IST)