Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ભારતીય મહિલા ટીમે બીજી વનડેમાં સાઉથ આફ્રિકા ટીમને ૫ વિકેટથી હરવુંય શ્રેણી જીતી

મિતાલી રાજે ૬૬ અને પુનમ રાઉતે ૬૫ રન ફટકાર્યા : હરમનપ્રીત કૌરે માત્ર ૨૭ બોલમાં અણનમ ૩૯ રન બનાવ્યા

વડોદરામાં ભારતીય મહિલા ટીમે સતત બીજી વનડેમાં સાઉથ આફ્રિકાને ૫ વિકેટથી હરાવ્યું છે આ જીત સાથે  ૩ મેચની સીરીઝમાં ભારતીય ટીમે ૨-૦ ની અજેય લીડ બનાવી લીધી છે.

  સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૪૭ રન બનાવી લીધા હતા, ભારતીય ટીમે આ ટાર્ગેટને ૪૮ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો. પુનમ રાઉતને તેમની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

આ અગાઉ ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી અને પ્રથમ વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી થઈ હતી. બીજી વિકેટ માટે ૫૧ અને ત્રીજી વિકેટ માટે પણ ૫૯ રનની પાર્ટનરશીપ થઈ હતી. લૌરા વોલવાર્ટે સૌથી વધુ ૬૯ રન બનાવ્યા હતા. તેમ છતાં અંતિમ ઓવરોમાં સાઉથ આફ્રિકી ટીમ ઝડપી રન બનાવવામાં સફળ રહી નહોતી. ભારત તરફથી શિખા પાંડે, એકતા બિષ્ટ અને પુનમ યાદવે ૨-૨ વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો ૩૪ ના સ્કોર પર જ લાગ્યો હતો. ત્યાર બાદ ૬૬ ના સ્કોર પર પ્રિયા પુનિયા પણ ૨૦ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. અહીંથી કેપ્ટન મિતાલી રાજ અને પુનમ રાઉતે ત્રીજી વિકેટ માટે ૧૨૯ રનની ભાગીદારી કરી ટીમને ઘણી મજબુત સ્થિતિમાં લાવી દીધું હતું. મિતાલી રાજે ૬૬ અને પુનમ રાઉતે ૬૫ રનની ઇનિંગ રમી હતી. અંતમાં હરમનપ્રીત કૌરે માત્ર ૨૭ બોલમાં અણનમ ૩૯ રન બનાવી ટીમને જીત અપાવી દીધી હતી. સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ ૧૪ ઓકટોબરના વડોદરામાં રમાશે.

(11:36 am IST)