Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

એમ્મા ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી ક્વાલિફાયર બની

બ્રિટનની ૧૮ વર્ષીય એમ્મા રાદુકાનુએ ઈતિહાસ રચ્યો : ટેનિસ જગતની આ બે યુવા ખેલાડીઓ વચ્ચેની ફાઇનલ મેચ ૧ કલાક અને ૫૧ મિનિટ સુધી ચાલી હતી

નવી દિલ્હી,તા.૧૨ : બ્રિટનની ૧૮ વર્ષીય યુવા ટેનિસ ખેલાડી એમ્મા રાદુકાનુએ ઈતિહાસ રચી દીધો છે. તે યૂએસ ઓપનની નવી ચેમ્પિયન બની ગઈ છે. એમ્મા રાદુકાનુએ કેનેડાની ૧૯ વર્ષીય લેલા ફર્નાન્ડિઝને હરાવીને મહિલા યૂએસ ઓપન સિંગલનું ટાઇટલ જીતી લીધું છે. ટેનિસ જગતની આ બે યુવા ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મેચ ૧ કલાક અને ૫૧ મિનિટ સુધી ચાલી રહી, જેમાં રાદુકાનુએ ૬-૪, ૬-૩થી બાજી મારી દીધી હતી. એમ્મા રાદુકાનુની થોડા દિવસ પહેલા રેક્નિંગ ૧૫૦મી હતી અને લગભગ બે સપ્તાહ પહેલા ભાગ્યે જ કોઈ તેનું નામ જાણતું હતું. તે ક્વાલિફાયર રમ્યા બાદ ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી ટેનિસ ખેલાડી બની ગઈ છે. તેના પહેલા પુરૂષ અને મહિલા બંનેમાં કોઈ પણ ક્વાલિફાયર આવો કમાલ નથી દર્શાવી શક્યું. યૂએ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યા બાદ એમ્મા રાદુકાનુ ૧૯૭૭માં વેડ બાદ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સનો ખિતાબ જીતનારી બ્રિટનની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે.

            વેડે ૧૯૭૭માં વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા રાદુકાનુએ સેમીફાઇનલમાં ૧૭મો રેક્નિંગ પ્રાપ્ત મારિયા સકારીને ૬-૧, ૬-૪થી હરાવી દીધી હતી. તે પહેલીવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચી હતી અને તે તેની કારકિર્દીનો પહેલો ખિતાબ પણ છે. આ જીતની સાથે તે પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેક્નિંગ પર પહોંચી ગઈ છે. એમ્મા રાદુકાનુ ૨૩મા સ્થાને પહોંચી ગઈ છે. એમ્મા રાદુકાનુએ ફાઇનલ મેચ પણ સીધા સેટમાં જીતી. તેણે યૂએસ ઓપનમાં એક પણ સેટ ગુમાવ્યો નથી. તેણે પોતાના તમામ ૨૦ સેટ જીત્યા છે. જેમાં ક્વાલિફાયર ચરણની ૩ અને મુખ્ય ડ્રોની ૭ મેચ સામેલ છે. ૧૯૯૯ બાદ પહેલીવાર યૂએસ ઓપન ટાઇટલ માટે બે યુવા ખેલાડી સામ સામે આવી હતી. ૧૯૯૯માં ૧૭ વર્ષીય સેરેના વિલિયમ્સ અને ૧૮ વર્ષીય માર્ટિના હિંગિસની વચ્ચે ટાઇટલ મેચ રમાઈ હતી. રાદુકાનુએ ટાઇટલ પોતાના નામે કર્યા બાદ કહ્યું કે, મેં ન્યૂયોર્કમાં ત્રણ સપ્તાહ પસાર કર્યા છે અને હું એવું ચોક્કસ કહીશ કે મને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. મારી ટીમના તમામ સાથી સઅને ઘરેથી ટીવી પર સપોર્ટ કરી રહેલા તમામ લોકોનો ખૂબ-ખૂબ આભાર. અહીં ઉપસ્થિત તમામ લોકોને મને સ્પેશલ બનાવવા માટે પહેલી ક્વોલિફાયર મેચથી લઈને ફાઇનલ સુધીની મેચમાં સપોર્ટ કરવા માટે આભાર.

(7:29 pm IST)