Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આફ્રિકા સામે ભારતીય ટેસ્ટ ટીમ ઘોષિત : કેએલ રાહુલ બહાર

કેએલ રાહુલના સ્થાને શુભમન ગિલનો સમાવેશ કરાયો : બીજી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ત્રણ ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત : રોહિત ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેશે

મુંબઈ, તા. ૧૨ : સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આશા વચ્ચે કેએલ રાહુલને ટીમથી પડતો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે તેની જગ્યાએ શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિલનો પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આનો સીધો મતલબ એ છે કે, વનડે અને ટી-૨૦ના ઓપનિંગ બેટ્સમેન અને વાઇસકેપ્ટન રોહિત શર્માનું ટેસ્ટ રમવા માટેની રાહ જોવાનું બંધ થઇ ગયું છે. શુભમન ગીલ અત્યારે દક્ષિણ આફ્રિકા-એ ટીમ સામે ચાર દિવસની મેચ રમવા માગે ગયેલી ઈન્ડિયા-એ ટીમનો કેપ્ટન છે. ટીમની જાહેરાત કરતા ચીફ સિલેક્ટરલ એમએસકે પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે, રોહિત શર્મા ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેશે. રાહુલના ખરાબ ફોર્મના કારણે તેને પડતો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં રાહુલ એક અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો, તેણે બે ટેસ્ટમાં અનુક્રમે ૪૪,૩૮, ૧૩ અને ૬ રન બનાવ્યા હતા. આટલું જ નહીં, ટેસ્ટના ફોર્મેટમાં રાહુલ સફળ જોવા મળ્યો નથી.

            તેણે છેલ્લે રમેલી ૩૦ ટેસ્ટ ઈનિંગ્સમાં કુલ ૬૬૪ રન જ બનાવ્યા છે. ઓલ-ઈન્ડિયા પસંદગી સમિતિ દ્વારા પેસરની સંપૂર્ણ ટીમ પસંદ કરાઈ છે, જેમાં જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રમેલી ભારતીય ટીમમાંથી ઉમેશ યાદવને પડતો મુકવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે રોહિત શર્મામાં વિશ્વાસ મુક્યો છે અને દક્ષિણ આફ્રિકા સામે તેને ઓપનિંગમાં ઉતારવામાં આવનારો છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રોહિતને પસંદ કરાયો ન હતો. રોહિત શર્માને વિઝાયાનગરમમાં ૨૬ સપ્ટેમ્બરથી રમાનારી ત્રણ દિવસની વોર્ણ અપમેચમાં બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવનનો કેપ્ટન પણ બનાવાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો રોહિત શર્મા હજુ સુધી ૨૭ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે જેમાં ૧૫૮૫ રન બનાવ્યા છે. રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કેરિયરમાં ત્રણ સદી અને ૧૦ અડધી સદી ફટકારી ચુક્યો છે જ્યારે લોકેશ રાહુલે ૩૬ ટેસ્ટ મેચની ૬૦ ઇનિંગ્સમાં ૨૦૦૬ રન બનાયા છે.

રાહુલના નામ પર પાંચ સદી અને ૧૧ અડધી સદી નોંધાયેલ છે. હાલ રાહુલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે.

ભારતીય ટીમ : વિરાટ કોહલી(કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે(વિકી, વાઇસકેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત (વિકી), રિદ્ધિમાન સાહા (વિકી), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, શુભમન ગીલ.

(7:49 pm IST)