Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વિરાટની ૪૨મી સદી : ભારતનો ૫૯ રને વિજય

ટીમ ઈન્ડિયા ૨૭૯/૭ : વિન્ડીઝ ૨૧૦માં ઓલઆઉટઃ શ્રેયસ ઐયરે પણ ૭૧ ફટકાર્યા, ભુવીને ૪, શમીને ૨ વિકેટ : બુધવારે અંતિમ વન-ડે

પોર્ટ ઓફ સ્પેન : કેપ્ટન વિરાટ કોહલીએ તેની કારકિર્દીની ૪૨મી સદી ફટકારતાં ભારતે ગઈ કાલે અહીં રમાઈ ગયેલી અને વરસાદનું વિઘ્ન પામેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર લવાયેલા પરિણામમાં ૫૯-રનથી પરાજય આપ્યો હતો. ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે મેચ આવતા બુધવારે આ જ મેદાન પર રમાશે.

ત્રણ મેચોની સીરિઝમાં ભારત ૧-૦થી આગળ થયું છે. પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને પરિણામવિહોણી રહી હતી.

કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતે ૫૦ ઓવરમાં ૭ વિકેટના ભોગે ૨૭૯ રન કર્યા હતા. કોહલીએ કેરેબિયન બોલરોની ધુલાઈ કરીને ૧૨૦ રન ઝૂડી કાઢ્યા હતા. એણે પોતાની સદી ૧૧૨ બોલમાં પૂરી કરી હતી જેમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો.

કોહલીને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર (૭૧)નો ટેકો મળ્યો હતો બંનેએ ચોથી વિકેટ માટે ૧૨૫ રનની ભાગીદારી કરી હતી. ઐયરે ૬૮ બોલમાં ૭૧ રન કર્યા હતા. કારકિર્દીમાં ઐયરની આ ત્રીજી હાફ સેન્ચુરી છે.

૨૮૦ના ટાર્ગેટને ચેઝ કરવાની શરૂઆત કરનાર વેસ્ટ ઈન્ડિઝના દાવ દરમિયાન ૧૨.૫ ઓવર ફેંકાઈ હતી ત્યારે વરસાદ પડ્યો હતો અને ડી/એલ મેથડ અનુસાર યજમાન ટીમને ૪૬ ઓવરમાં ૨૭૦ રનનો નવો ટાર્ગેટ અપાયો હતો. પરંતુ વિન્ડીઝ ટીમ ૪૨ ઓવરમાં ૨૧૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

યજમાન ટીમ એક સમયે ૪ વિકેટે ૧૪૮ રનના સ્કોર પર હતી, પણ બાદમાં એની બાકીની ૬ વિકેટ માત્ર ૬૨ રનમાં પડી ગઈ હતી.

કારકિર્દીની ૩૦૦મી મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ઓપનર ક્રિસ ગેલે માત્ર ૧૧ રન જ કર્યા હતા. ભૂવનેશ્વરની બોલિંગમાં એ લેગબીફોર આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝનો ટોપ સ્કોરર રહ્યો હતો ઓપનર ઈવીન લૂઈસ. એણે ૬૫ રન કર્યા હતા. એને કુલદીપ યાદવની બોલિંગમાં કોહલીએ કેચઆઉટ કર્યો હતો. વિકેટકીપર શાઈ હોપે પાંચ, શિમરોન હેટમેયરે ૧૮, નિકોલસ પૂરને ૪૨, રોસ્ટન ચેઝે ૧૮, કેપ્ટન જેસન હોલ્ડરે ૧૩, શેલ્ડન કોટ્રેલે ૧૭ રન કર્યા હતા. કાર્લોસ બ્રેથવેટ, કેમાર રોશ, ઓશેન થોમસ ઝીરો પર આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે ૮ ઓવરમાં ૩૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. એને સાથી ફાસ્ટ બોલરો મોહમ્મદ શમી (૩૯ રનમાં બે વિકેટ) અને ખલીલ એહમદ (૩૨ રનમાં ૧), ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ (૫૯ રનમાં બે વિકેટ) અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા (૧૫ રનમાં ૧ વિકેટ) તરફથી સાથ મળ્યો હતો.

કોહલીને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

કોહલીએ મિયાંદાદનો રેકોર્ડ તોડ્યો

કોહલીએ આ મેચ દરમિયાન ૧૯ રન કર્યા ત્યારે જ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો વિક્રમ સ્થાપ્યો હતો. કોહલી હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન કરનાર વિશ્વનો બેટ્સમેન બન્યો છે. એણે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદને પાછળ રાખી દીધો છે. મિયાંદાદે એમની કારકિર્દી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે ક્રિકેટમાં ૬૪ દાવમાં ૧,૯૩૦ રન કર્યા હતા. કોહલી હવે એમનાથી આગળ નીકળી ગયો છે. કોહલીએ તો માત્ર ૩૪ દાવમાં જ ૧,૯૩૦ રનના આંકને પાર કરી દીધો છે.

(1:21 pm IST)