Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

મિતાલીરાજની જોરદાર સિદ્ધિથી સચિન તેંડુલકરે કર્યા વખાણ : ટવીટ કરીને આપ્યા અભિનંદન

સચિને ટ્વિટ કર્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવા બદલ મિતાલીને ખુબ - ખુબ અભિનંદન. જોરદાર ઉપલબ્ધિ

નવી દિલ્હી : લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે. ત્રીજી વનડેમાં ભારતની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરીને ઇતિહાસ રચ્યો છે. મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર છે.

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ મિતાલી રાજને અભિનંદન આપ્યા હતા. સચિન તેંડુલકરે તેને એક મોટી સિદ્ધિ ગણાવી છે. સચિને ટ્વિટ કર્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવા બદલ મિતાલીને ખુબ - ખુબ અભિનંદન. જોરદાર ઉપલબ્ધિ

 

મિતાલીએ આ મેચમાં 50 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. મિતાલીના મહત્વના યોગદાનને કારણે ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં જીતવા માટે દક્ષિણ આફ્રિકાને 249 રનનો પડકાર આપ્યો છે.

મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન બનાવનારી બીજી મહિલા ક્રિકેટર અને ભારત તરફથી પ્રથમ ખેલાડી બની છે. ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન શાર્લોટ એડવર્ડ્સ એકમાત્ર એવી મહિલા ક્રિકેટર છે કે જેણે મિતાલી પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા હતા.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ 14 માર્ચે લખનૌના અટલ બિહારી સ્ટેડિયમ ખાતે રમાશે.

(6:47 pm IST)