Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

નવા જોમ જુસ્સા સાથે ટીમ ઈન્ડિયા અંગ્રેજો સામે બાથ ભીડશે

કાલથી બીજો ટેસ્ટ : ૫૦% દર્શકોની હાજરી : વિરાટસેના વળતો પ્રહાર કરવા સજ્જ : ટીમમાં ફેરફારની પૂરેપૂરી શકયતા : બેટ્સમેનો અને બોલરોએ પ્રભુત્વ બતાવવુ પડશે

ચેન્નાઈ, તા.૧૨ : ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલો ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ મેચ ખરાબ રીતે હાર્યા બાદ હતાશ થઈ ગયેલી ટીમ ઈન્ડિયા આવતીકાલથી ફરી એ જ ગ્રાઉન્ડ ઉપર નવા જોમ અને જુસ્સા સાથે મેદાને ઉતરશે. પ્રથમ ટેસ્ટની શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયા બદલો લેવા માટે સંપૂર્ણ સજ્જ બની ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની ટીમને બીજા ટેસ્ટ મેચમાં પોતાના દર્શકોની હાજરીમાં પોતાની ટીમને જીતના પાટા પર લાવવાનો ઈન્તેજાર છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૨૭ રને પરાજય થયા બાદ કાલથી શરૂ થઈ રહેલા મેચમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે.

બીજા ટેસ્ટ મેચ દ્વારા કોરોનાકાળમાં અંદાજે એક વર્ષ બાદ પહેલી વખત દર્શકોની હાજરીમાં દેશમાં કોઈ મોટો મેચ રમાશે.

દર્શકોની ઉપસ્થિતિ નિરસ માહોલમાં નવો રોમાંચ પેદા કરશે. આ જોશ વચ્ચે ભારતીય ટીમ પણ નવા તેવર સાથે શ્રેણીમાં કમબેકની પૂરજોશ કોશિશ કરશે. ગઈકાલે ચેન્નાઈમાં ટિકિટ માટે દર્શકોની લાંબી લાઈનોએ સાબિત કરી દીધું છે કે તેમનામાં મુકાબલાને લઈને કેટલી ઉત્સુકતા છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં પરાજય બાદ કોહલીએ કહ્યું હતું કે ટીમ બીજા મેચમાં જોરદાર ટક્કર આપશે. જો કે તે સતત ચાર ટેસ્ટ મેચ હાર્યા બાદ અત્યંત દબાણમાં પણ હશે. તેને પહેલાં બે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી અને ત્યારબાદ એક ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને હવે ઈંગ્લેન્ડ સામે પરાજય થયો છે. આવામાં સતત પાંચમી હારથી બચવા માટે કોહલી તમામ પ્રયાસો કરી લેશે.

એક વાત નિશ્ર્ચિત છે કે ભારતીય ટીમમાં ફેરફાર થશે અને તેમાં ખાસ કરીને શાહબાઝ નદીમના સ્થાને અક્ષર પટેલ પ્લેઈંગ ઈલેવનમાં રમતો જોવા મળશે તે વાત અત્યારથી જ નક્કી થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં દબાણની સ્થિતિમાં સંભવતઃ દર્શકોના હોવાની કશુંક અસર થઈ હોત અને ખેલાડીઓની મનોબળ જળવાયેલું રહ્યું હોત. જો કે હવે બીજા ટેસ્ટમાં ૫૦ ટકા દર્શકો હોવાથી મેજબાન ટીમ તેનો ફાયદો ઉઠાવવાની પૂરી કોશિશ કરશે. ભારતીય ટીમ ૨૦૧૯ બાદ પહેલી વખત આ સ્ટેડિયમમાં દર્શકોની હાજરીમાં મેચ રમશે.

(4:26 pm IST)