Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બે કિ.મી.ની ફિટનેસ ટેસ્ટમાં ભારતના ૬ ક્રિકેટરો ફેઈલ

સંજુ સેમસન, ઈશાન કિશન, નીતિશ રાણા, રાહુલ તેવટીયા, સિદ્ધાર્થ કૌલ અને જયદેવ ઉનડકટ બીજી વખત ફીટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ વન-ડે સીરીઝમાં પસંદગી મુશ્કેલ બનશે

ભારતીય ક્રિકેટરોની ફિટનેસ ટેસ્ટ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં ૬ ભારતીય ક્રિકેટરો આ અઠવાડિયે રનીંગ બે કિલોમીટરની ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે. તેમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને ઇશાન કિશન, બેટ્સમેન નીતીશ રાણા, લેગ સ્પિનર રાહુલ તેવતીયા ઉપરાંત બે ઝડપી બોલરો સિદ્ધાર્થ કૌલ અને જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ખેલાડીઓની ફીટનેસ તપાસવા એનસીએમાં નવી ટેસ્ટ શરૂ કરવામાં આવી છે, જેને આ ૬ ખેલાડીઓ પાસ કરી શક્યા નથી.

જો આ ખેલાડીઓ બીજી વખત આ ફિટનેસ ટેસ્ટ પાસ કરી શકશે નહીં, તો ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી -૨૦ અને ત્રણ વનડે સિરીઝ માટે તેમની પસંદગી કરવાનું મુશ્કેલ બનશે. આ પહેલા સેમસન, ઝડપી બોલર મોહમ્મદ શમી અને અંબાતી રાયડુની ઈંગ્લેન્ડમાં યોજાનારી મર્યાદિત ઓવર સિરીઝ માટે ટીમમાં ૨૦૧૮ માં યો-યો ટેસ્ટમાં નિષ્ફળતાને કારણે ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી.

આ વર્ષના અંતે ભારતમાં ઇંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવર શ્રેણી અને ટી -૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, વીસથી વધુ સંભવિત ખેલાડીઓની એનસીએ ખાતે ફીટનેસ ટેસ્ટ લેવામાં આવી હતી. યો-યો ઉપરાંત, તેમાં ૨ કિ.મી.ની દોડ પરીક્ષણ શામેલ હતી. બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનરે બે કિ.મી.નું અંતર ૮ મિનિટ અને ત્રીસ સેકંડમાં પૂર્ણ કરવાનું હતું, જ્યારે ઝડપી બોલરોએ ૮ મિનિટ ૧૫ સેકન્ડમાં સમાન અંતર કાપવું પડ્યું હતું. પરંતુ ૬ ક્રિકેટરો નિર્ધારિત સમયમાં તે પૂર્ણ કરી શક્યા નહીં. તે જ સમયે, કેટલાક ક્રિકેટરોએ પણ આ રેસને મુશ્કેલ સમયમાં પૂર્ણ કરી હતી.

(4:25 pm IST)