Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પિચ ક્યુરેટરની હકાલપટ્ટી

હવે લાલને બદલે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવશે.

ચેન્નાઇ : ભારત  અને ઇંગ્લેંડ વચ્ચેની શ્રેણીમાં ભારતીય ટીમને ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાર મળી હતી. 227 રન થી ભારતે હાર સહન કરવી પડી હતી. અંતિમ દિવસે ટીમ ઇન્ડીયા 192 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જે હારની ગાજ હવે પિચ ક્યુરેટર પર પડી છે. જાણકારી મુજબ ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ફરજ પર રહેલા પિચ ક્યુરેટરને મુક્તી આપી દેવામાં આવી છે. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ BCCI એ બીજી ટેસ્ટ માટે પિચની દેખરેખ માટેની જવાબદારીમાંથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. હવે ભારતીય ટીમ પ્રબંધન મુખ્ય સ્થાનિક ગ્રાઉન્ડમેન વી રમેશકુમારની સાથે પિચની તૈયારી સંભાળી રહ્યા છે.

રમેશકુમાર પાસે ચેન્નાઇ ટેસ્ટ પહેલા સુધી પ્રથમ શ્રેણીમાં મેચ માટે પિચ તૈયાર કરવા સુધીનો પણ અનુભવન નહોતો. હવે રમેશકુમારને પિચ તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે હવે લાલને બદલે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવશે. બીજી ટેસ્ટ મેચ અને પ્રથમ ટેસ્ટ મેચ વચ્ચેનુ અંતર ફક્ત ત્રણ દિવસનુ જ છે. પરંતુ BCCI ના મધ્યક્ષેત્ર ક્યુરેટર તપોશ ચેટર્જીને પ્રથમ મેચ સમાપ્ત થવા સાથે જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. તેમને ઇંદોર અને જયપુરમાં વિજય હજારે ટ્રોફી મેચ માટે પિચ તૈયાર કરવાનુ કામ સોંપવામાં આવ્યુ છે.

BCCI પાસે પિચ ક્યુરેટરની મોટી પેનલ છે, જેને જોતા તપોશ ને હટાવીને કુમાર જેવા બિનઅનુભવી ને કામ સોંપવુ આમ તો આશ્વર્યજનક નિર્ણય છે. તપોશને ક્યુરેટરોની એલીટ પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે. તેમના સિવાય આશિષ ભૌમિક, પ્રશાંત કે, સુનિલ ચૌહાણ અને પ્રકાશ અધવ પણ આ પેનલમાં સામેલ છે. તામિલનાડુ ક્રિકેટ સંઘ એ તપોશ ને હટાવ્યાની પુષ્ટી કરી હતી. આશિષ ભૌમિક શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની પીચને તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહ્યા છે.

(1:13 pm IST)