Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

આઇસીસી વિશ્વકપ બાદ વિજયરથ ઉપર સવાર ભારતીય ક્રિકેટ ટીમનો દ્વિપક્ષીય સિરીઝ જીતવાનો સિલસિલો અટકી ગયો

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપ બાદ વિજયરથ પર સવાર ભારતીય ટીમનો દ્વિપક્ષીય સિરીઝ જીતવાનો સિલસિલો અટકી ગયો છે. ન્યૂઝીલેન્ડે તેને સતત ત્રણ વનડે મેચમાં પરાજય આપ્યો છે. આ સાથે કેન વિલિયમ્સનની આગેવાની વાળી યજમાન ટીમે ત્રણ મેચોની સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. રસપ્રદ વાત તે રહી કે ન્યૂઝીલેન્ડે પાછલા વર્ષે જુલાઈમાં વિશ્વકપમાં પણ ભારતના વિજય અભિયાનને રોક્યું હતું. ભારતીય ટીમ ત્યારબાદ પ્રથમ વખત કોઈ સિરીઝ હારી છે.

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મંગળવારે રમાયેલી ત્રીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ પર 296 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ (112), શ્રેયસ અય્યર (62) અને મનીષ પાંડે (42) અને પૃથ્વી શો (40)એ રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી 9, શાર્દુલ ઠાકુર 7 અને મયંક અગ્રવાલ 1 રન બનાવી આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી હામિશ બેનેટે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કાઇલ જેમિસન અને જીમિ નીશમને એક-એક સફળતા મળી હતી.

ન્યૂઝીલેન્ડે ભારતે આપેલા 297 રનના લક્ષ્યને 47.1 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. તેના તરફથી ઓપનર હેનરી નિકોલ્સ, માર્ટિન ગુપ્ટિલ અને કોલિન ડિ ગ્રાન્ડહોમે અડધી સદી ફટકારી હતી. માર્ટિન ગુપ્ટિલ (66)એ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. હેનરી નિકોલ્સ (80)એ સિરીઝમાં બીજી અડધી સદી ફટકારી હતી. ગ્રાન્ડહોમે તો માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારત તરફથી ચહલે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પ્રથમ ઘટના છે જ્યારે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ કોઈ વનડે સિરીઝમાં એકપણ મેચ જીતી શકી નથી. જ્યારે 2014માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતે પાંચ મેચોની સિરીઝમાં 4-0થી પરાજયનો સામનો કર્યો ત્યારે ધોની કેપ્ટન અને વિરાટ વાઇસ કેપ્ટન હતો. તે સિરીઝની એક મેચ ટાઈ રહી હતી. આમ તો વનડે ક્રિકેટમાં 31 વર્ષ પછી ભારતીય ટીમની ક્લીવન સ્વીપ થઈ છે. છેલ્લે 1988/89માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 5-0થી પરાજય આપ્યો હતો.

(4:40 pm IST)