Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઓલિમ્પિક પદક વિજેતા પીવી સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ખિતાબ જાળવવા ઊતરશે

બે વર્ષ અગાઉ સ્વિટઝરલેન્ડના બાસેલમાં જીત્યો હતો.

મુંબઈ : ભારતની બે વારની ઓલિમ્પિક પદક વિજેતા પીવી સિંધુ આજથી શરૂ થઈ રહેલ બીડબ્લ્યૂએફ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ખિતાબને જાળવવા માટે આ મોટા પ્લેટફોર્મ પર પોતાનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરશે.સિંધુ હજુ પણ સારા ફોર્મમાં છે. તે વિશ્વ ટૂર ફાઇનલ્સમાં ઉપવિજેતા રહી હતી અને આ સ્પર્ધામાં તેનો બીજો સિલ્વર મેડલ હતો. તે પહેલાં તે ફ્રેન્ચ ઓપન, ઇન્ડોનેશિયા માસ્ટર્સ અને ઇન્ડોનેશિયા ઓપનની સેમિ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી.

હૈદ્રાબાદની આ 26 વર્ષની ખેલાડી હવે પોતાના પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબને બચાવવા માટે ઊતરશે કે જે તેણે બે વર્ષ અગાઉ સ્વિટઝરલેન્ડના બાસેલમાં જીત્યો હતો. ઇન્ડોનેશિયાના તમામ ખેલાડીઓ અને બે વારના વિજેતા કેન્ટો મોમોતા જેવા ટોચના ખેલાડીઓ નહીં રમતા હોવાના કારણે ચમક થોડી ફીકી પડી ગઈ છે. મહિલાઓના વર્ગમાં ત્રણ વારની ચેમ્પિયન કારોલિના મારિન અને 2017ની વિજેતા નાઝોમી ઓસાકા પણ ભાગ લઈ રહી નથી. આ પ્રથમ અવસર છે કે જ્યારે લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયનશિપ 2015ની સિલ્વર મેડલ વિજેતા સાઇના નેહવાલ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી નથી.

સિંધુ પાસે ખિતાબ જાળવવાની સારી તક છે

આવા સંજોગોમાં સિંધુ પાસે પોતાના ખિતાબને બચાવવા માટે સારી તક રહેશે. જો કે ખિતાબને જાળવી રાખવા માટે તેણે થાઇલેન્ડની નવમી વરિયતાપ્રાપ્ત પોર્નપાવી ચોચુવોંગ, ચીની તાઇપેની ટોચની વરિયતાપ્રાપ્ત તાઇ ઝુ યિંગ અને કોરિયાની કિશોરી આન સિંયોગના મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડશે. સિયોંગ હાલમાં જોરદાર ફોર્મમાં છે. તેણે ઇન્ડોનેશિયા માસ્ટર્સ અને ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીત્યા બાદ પ્રથમવાર વિશ્વ ટૂર ફાઇનલ પણ જીતી લીધી હતી.

નોંધનીય છે કે સિંધુને પ્રથણ રાઉન્ડમા પાસ મળ્યો છે અને સીધા બીજા રાઉન્ડમાં પ્રવેશીને તેણે માર્ટિના રેપિસ્કાનો સામનો કરવો પડશે. જો કે માર્ટિનાની પ્રથમ રાઉન્ડની હરીફ રસેલી હર્ટવાન પણ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. સિંધુએ આ મેચ જીત્યા બાદ ચોચુવાંગનો સામનો કરવાનો આવી શકે છે. જો સિંધુ થાઇ ખેલાડીને હરાવી દેશે તો તેણે આગળ ઉપર તાઇ ઝુનો સામનો કરવો પડશે કે જે ભારતીય ખેલાડી સામે 14-5નો રેકોર્ડ ધરાવે છે.

(12:33 am IST)