Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર ડિઍગો મારાડોનાની ઘડિયાળની ચોરી કરનાર ઝડપાયોઃ આસામ પોલીસે દુબઇ પોલીસ સાથે મળીને અોપરેશન પાર પાડ્યુ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાઍ ટ્વીટ કરીને માહિતી આપી

આસામ પોલીસે દુબઈ પોલીસ સાથે મળીને એક મહત્વપૂર્ણ મિશનને અંજામ આપ્યું છે. બંને એજન્સીઓએ મળીને આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની ઘડિયાળને ચોરી કરનાર વ્યક્તિને ઝડપી પાડ્યો છે. સાથે જ ઘડિયાળ પણ જપ્ત કરી લેવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.

આસામ પોલીસના DGP જ્યોતિ મહંતાએ દુબઈ પોલીસની સાથે થયેલા મિશનમાં જાણકારી આપી છે કે ડિએગો મારાડોનાની ઘડિયાળને અસમના ચરાઈદેવ જિલ્લાથી જપ્ત કરવામાં આવી છે સાથે જ તે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

ડીજીપીએ જાણકારી આપતા કહ્યું છે કે અમે વાજિદ હુસૈન નામના એક વ્યક્તિને ચરાઈદેવ જિલ્લાના મોરનહાટ વિસ્તારથી ધરપકડ કરી છે. જેની પાસેથી દિવંગત ફૂટબોલર મારાડોનાની Hublot કંપનીની લિમિટેડ એડિશન ઘડિયાળ પણ જપ્ત કરાઈ છે.

DGPએ એ પણ જાણકારી આપી છે કે જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે તે મૂળ આસામના શિવસાગર જિલ્લાનો રહેવાસી છે. ત્યાં શિવસાગર જિલ્લાના SPએ જણાવ્યુ કે ધરપકડ કરાયેલો વ્યક્તિ દુબઈમાં કામ કરતો હતો અને ઓગસ્ટ 2021માં ભારત પાછો આવ્યો હતો.

શિવસાગરના SP રાકેશ રોશને એ પણ જાણકારી આપી છે કે તેમને ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી જેના કારણે અમે એક ઓપરેશન દરમિયાન પોલીસે વાઝિદ હુસૈનને મોરનહાટ વિસ્તારમાં તેમના સાસરીમાંથી ધરપકડ કરી અને દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની લિમિટેડ એડિશન Hublot ઘડિયાળ પણ જપ્ત કરી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે એક ઈન્ટરનેશનલ મિશન હેઠળ આસામ પોલીસ અને દુબઈ પોલીસના દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની લિમિટેડ એડિશન Hublot ઘડિયાળને વાઝિદ હુસૈન નામના શખ્સની પાસેથી જપ્ત કરવામાં આવી છે. કાયદા હેઠળ વાઝિદને સજા આપવામાં આવશે. આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર રહેલા ડિએગો મારાડોનાનુ 25 નવેમ્બર 2020એ નિધન થઈ ગયુ હતુ. ભારતમાં મારાડોનાની ઘણી મોટી ફેન ફોલોઈંગ રહી છે.

(4:21 pm IST)