Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ટીમ ઇન્ડિયા માટે આફ્રિકામાં આખેઆખી હોટલ જ બુક કરી દેવાઇઃ ત્યાં જ બનશે કોરોના બાયોબબલ

હોટલમાં બહારની કોઇ વ્યકિતને નહિ મળે પ્રવેશઃ સુરક્ષામાં કોઇ કસર છોડવામાં નહિ આવે

 નવી દિલ્હીઃ કોરોનામાં નાણાંકીય સંકટ સામે લડી રહેલ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) માટે ભારતીય ટીમનો આગામી પ્રવાસ બહુ મહત્વનો છે.

હાલમાં જ કોરોનાના નવા વેરીંયેન્ટના ઘણા કેસો જાહેર થયા છતા ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઇ રહી છે ત્યારે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમની સુરક્ષા અને સુવિધામાં કોઇ કસર છોડવા માંગતુ નથી.

એક રીપોર્ટ અનુસાર સીએસએ એ સેન્ચ્યુરીયનમાં ભારતીય ટીમ માટે એક આખી હોટલ બુક કરી લીધી છે. ભારતીય ટીમ ૧૭ ડિસેમ્બરે આ હોટલમાં પહોંચશે. આ હોટલમાં સીએસએ ભારતીય ટીમ માટે બાયોબબલ બનાવશે. હોટલમાં કડક સુરક્ષા રહેશે અને બહારની કોઇપણ વ્યકિતને પ્રવેશની પરવાનગી નહિ આપવામાં આવે કોરોના દરમિયાન શ્રીલંકન ટીમ પણ આ હોટલમાં જ રોકાઇ હતી.

કોરોના વાયરલ સામે સુરક્ષીત વાતાવરણ તૈયાર કરવા માટે સીએસએ એક અધિકારી નિયુકત કરશે. ખેલાડીઓ ઉપરાંત બાયોબબલમાં રહેનારા બધા લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે તે જોવાની જવાબદારી આ અધિકારીની રહેશે.

આ સાવચેતીઓ રાખવામાં આવશે

હોટલના બધા સ્ટાફને અહિં પહેલાથી જ કવોરન્ટાઇન કરી દેવામાં આવશે. ભારતીય ટીમ અહિં આવ્યા પહેલાથી જ સ્ટાફ બાયોબબલમાં હશે.

ભારતીય ખેલાડીઓ અને મેચ અધિકારીઓ ઉપરાંત હોટલ સ્ટાફના સભ્યોનો પણ સતત કોરોના ટેસ્ટ કરાતો રહેશે.

ખેલાડીઓના ખાવા-પીવાની અને તેમના ઉપયોગની વસ્તુઓને બરાબર સેનેટાઇઝ કરીને હોટલમાં પહોંચાડવામાં આવશે. 

(3:07 pm IST)