Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

આઈપીએલની ૧૩ સીઝનમાં માહીની કુલ કમાણી અધધધ...૧૩૭ કરોડ

છેલ્લી ત્રણ સિઝનથી ધોનીને દર વર્ષે મળે છે ૧૫ કરોડઃ ૧૩૧ કરોડની કમાણી સાથે રોહિત બીજા અને ૧૨૬ કરોડ સાથે વિરાટ ત્રીજા સ્થાને

એક સર્વે મુજબ ૨૦૦૮થી અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ દ્વારા કુલ ૧૩૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા અને બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી છે. જેમણે અનુક્રમે ૧૩૧ અને ૧૨૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

૨૦૦૮માં જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે ચેન્નઈએ ધોનીને ૧૫ લાખ ડોલરમાં ખરીદ્યો હતો. ૨૦૦૮ની આઈપીએલની ફાઈનલમાં ચેન્નઈનો પ્રવેશ અને ૨૦૧૦માં આઈપીએલ ચેમ્પીયન બન્યા બાદ ધોની માટે જાણે સુવર્ણકાળ આવ્યો હતો. તે ૨૦૧૧થી ૨૦૧૩ સુધી દર વર્ષે આઈપીએલમાંથી ૮.૨ કરોડ રૂપિયા કમાતો હતો. ૨૦૧૪માં ભારતીય ક્રિકેટ બોર્ડે ફર્સ્ટ ચોઈસ રિટેન્શન (એટલે કે પોતાની પહેલી પસંદનો ખેલાડી રીઝર્વ રાખવો)ની ફીઝ વધારીને ૨.૫ કરોડ રૂપિયા કરી દીધી હતી. આ નાણા ધોનીને ૨૦૧૫ દરમ્યાન પણ મળ્યા હતા. તેના પછીના બે વર્ષ દરમ્યાન પણ ધોનીને રાઈઝિંગ પૂર્ણ સુપર જાયન્ટ પાસેથી પણ આટલા જ નાણા પ્રાપ્ત થતા રહ્યા હતા. ૨૦૧૮માં બીસીસીઆઈએ ફરી એકવાર ફર્સ્ટ ચોઈસ રિટેન્શનની ફીઝ વધારી ૧૫ કરોડ રૂપિયા કરી દીધી હતી. જે છેલ્લી ત્રણ સીઝનથી દર વર્ષે ધોનીને મળી રહી છે.

રોહિત શર્મા આ યાદીમાં ૧૩૧ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે, જ્યારે વિરાટ કોહલી ૧૨૬ કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા ક્રમે છે. પ્લેયરોની આ કમાણીમાં તેમને મળતા એવોર્ડ અને અન્ય કેશ પ્રાઈસના આંકડા સામેલ નથી.

(2:51 pm IST)