Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

હોકી વર્લ્ડ લીગમાં ભારતે જર્મનીને 2-1થી હરાવી મેળવ્યું બ્રોન્ઝ

નવી દિલ્હી: ભારતીય મેન્સ હોકી ટીમે શાનદાર દેખાવ કરતાં યુરોપની હાઈપ્રોફાઈલ જર્મનીની ટીમને ૨-૧થી હરાવીને ઘરઆંગણે યોજાયેલી હોકી વર્લ્ડ લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે આ જીતની સાથે જર્મની સામે ગુ્રપ સ્ટેજમાં મળેલી હારનો બદલો પણ વાળી દીધો હતો. અત્યંત રસાકસીભરી મેચમાં ભારતે એક તબક્કે સરસાઈ મેળવી હતી. જોકે જર્મનીએ ત્યાર બાદ મેચને બરોબરી પર લાવી દીધી હતી. આખરે ભારતે ગોલ ફટકારીને વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત તરફથી એસ.વી. સુનિલ અને હરમનપ્રીત સિંઘે ગોલ ફટકાર્યા હતા. હોકી વર્લ્ડ લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ટોચની આઠ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે નબળી શરૃઆત બાદ પોતાનો દેખાવ સુધાર્યો હતો અને કાંસ્ય સફળતા મેળવી હતી. નોંધપાત્ર છે કે, ગત વર્ષે યોજાયેલી વર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. હાઈવોલ્ટેજ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં બીજા ક્વાર્ટરની રમતની પાંચ મિનિટ બાદ ભારતે ગોલ ફટકાર્યો હતો. આકાશદીપના ક્લાસિક પાસ પર ભારતીય ખેલાડી એસ.વી. સુનિલે ગોલ ફટકારીને ટીમને ૧-૦થી સરસાઈ અપાવી હતી. જોકે મેચની ૩૬મી મિનિટે એપેલ માર્કે ગોલ ફટકારીને મેચને બરોબરી પર લાવી દીધી હતી. ભારતે આ દરમિયાન જર્મનીના ગોલ પર આક્રમણ કર્યા હતા, પણ ભારતીય ખેલાડીઓ જર્મન ગોલકિપરને બીટ કરી શક્યા નહતા. આખરે મેચની ૫૪મી મિનિટે હરમનપ્રીત સિંઘે ગોલ ફટકારીને ભારતને૨-૧થી સરસાઈ અપાવી હતી, જે વિજયી બની રહી હતી. હરમનપ્રીત સિંઘને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

(6:10 pm IST)