Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ડીફેન્‍સીવ ગેમ, ધીમી બેટીંગ, ધાર વગરની બોલીંગ...

ટીમ ઈન્‍ડિયાની ભૂંડી હારના આ છે કારણો : આખી ટૂર્નામેન્‍ટમાં ઓપનીંગ જોડીની કમાલ જોવા ન મળી, ચહલને ચાન્‍સ જ ન મળ્‍યોઃ માત્ર કોહલી- હાર્દિક ચમકયા

નવી દિલ્‍હીઃ  ટી-૨૦ વર્લ્‍ડ કપની અત્‍યાર સુધીની (૨૦૦૭ થી ૨૦૨૨ સુધીની) તમામ સેમીફાઈનલમાં પહેલીવાર કોઈ ટીમ ૧૦ વિકેટ હારી છે અને એ ખરાબ રેકોર્ડ ટી-૨૦ના નંબર-વન ભારતના નામે લખાયો છે. ૨૦૧૦માં ઈંગ્‍લેન્‍ડે શ્રીલંકા સામેની સેમી ફાઈનલમાં લક્ષ્યાંક ૧૬ ઓવરમાં મેળવી લીધો હતો. એ વિક્રમનું ગઈકાલે ઈંગ્‍લેન્‍ડે ભારત સામે પુનરાવર્તન કર્યું. ભારતના ૬માંથી એકપણ બોલરને વિકેટ નહોતી મળી. ભુવી, અર્શદીપ, શમી, અક્ષર, અશ્વિન અને હાર્દિક વિકેટ વિનાના રહ્યા હતા.

(૧) વાઈસ કેપ્‍ટન કે.એલ.રાહુલે ૬ નવેમ્‍બરે ઝિમ્‍બાબ્‍વે સામેની મેચમાં ૫૧ રન બનાવીને ફરી ફોર્મ બતાડયું, પણ ગઈકાલે ખરા સમયે ફેઈલ ગયો. તે ફકત પાંચ રન બનાવીને પ્રેશરમાં વિકેટ ગુમાવી બેઠો. વોકસના બોલમાં કેપ્‍ટન- વિકેટકીપર બટલરે તેનો કેચ પકડયો હતો.

(૨) રોહિત શર્મા છેક સુધી ફોર્મમાં ન આવ્‍યો. તેનો ડિફેન્‍સિવ અપ્રોચ ટીમને ભારે પડયો. શરૂઆતમાં ડિફેન્‍સિવ રહ્યા બાદ આક્રમક બનીને ૨૭ રને જોર્ડનના બોલમાં સેમ કરેનને કેચ આપી બેઠો.

(૩) ચહલને છેક સુધી ન જ રમાડયો. અક્ષર પટેલ અને અશ્વિન પર વિશ્વાસ જાળવી રાખ્‍યો અને ચહલને અવગણ્‍યો એ સૌથી મોટી ભૂલ હતી.

(૪) ભુવનેશ્વર અને મોહમ્‍મદ શમી પણ બ્રિટીશ બેટર્સ પર ધારી અસર ન પાડી શકયા. બુમરાહની ગેરહાજરીમાં બન્‍નેમાંથી કોઈપણ બોલર જવાબદારી જેવું ન રમી શકયા. ભુવીની બે ઓવરમાં પચીસ રન અને શમીની ત્રણ ઓરવમાં ૩૯ રન બન્‍યા અને બાકીના બોલર્સની જેમ તેમણે પણ વિકેટ ન મળી.

(૫) એકંદરે ભારતનો કંગાળ અપ્રોચ શરૂઆતથી છેક સુધી રહ્યો અને સતત પ્રેશરમાં રહ્યા અને બટલર- હેલ્‍સની જોડી જેમ- જેમ મજબૂત બનતી ગઈ એમ- એમ ભારતીય બોલર્સ અને ફીલ્‍ડર્સ દિશાહીન થઈ ગયા હતા.

(1:12 pm IST)