Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રણજી ફાઈનલના બીજા દિવસે કેરળના અમ્પાયર પદ્મનભને બંને સાઈડથી અમ્પાયરીંગ કર્યુ

શમસુદીનને બોલ લાગતા ઈજાગ્રસ્ત બન્યા'તા, રીપોર્ટ નોર્મલ પણ મેચમાં અમ્પાયરીંગ કરી શકશે નહિં : ત્રણ દિવસ ગોવાના યશવંત બારડ અમ્પાયરીંગ કરશે

રાજકોટ, તા. ૧૧ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલ રણજી ટ્રોફી ફાઇનલમાં બીજા દિવસે કેરળના અમ્પાયર કેએન અનંથ પદમનભન બંને એન્ડ્સથી ૩૪.૧ ઓવર સુધી અમ્પાયરિંગ કર્યુ હતું. તેનું કારણ એ હતું કે અમ્પાયર સી શમસુદીન પ્રથમ દિવસે ઈજાગ્રસ્ત થયા હતા. કેએન સાથે પિયુષ કક્કર સ્ટેન્ડ-ઈન અમ્પાયર તરીકે ઉભા હતા. બીસીસીઆઈના નિયમ અનુસાર મેચમાં અપોઈન્ટેડ ન હોવાથી પિયુષ નિર્ણય આપી શકે નહીં તેથી કેએન બંને બાજુથી અમ્પાયરિંગ કરી રહ્યા હતા. નોકઆઉટમાં ડિસિઝન રિવ્યુ (DRS) સિસ્ટમ પણ અવેલેબલ હોવાથી થર્ડ અમ્પાયર એસ રવિ ગ્રાઉન્ડ પર આવી શકે તેમ નહોતા.

લંચ બ્રેક પછી શમસુદીન સારવાર કરાવીને પરત ફર્યા હતા. તેમણે એસ રવિ સાથે રોલ એકસચેન્જ કરતા થર્ડ અમ્પાયર અને રવિએ ત્યારબાદ ગ્રાઉન્ડ અમ્પાયર તરીકે ફરજ નિભાવી હતી. બીસીસીઆઈના આગામી ત્રણ દિવસ માટે કેએનની સાથે અમ્પાયરિંગ કરવાની જવાબદારી ગોવાના યશવંત બારડેને આપી છે.

શમસુદીન દિવસના અંતિમે બોલે વિકેટ પડી ત્યારે ઈજાગ્રસ્ત થયા હતા. ફિલ્ડિંગ ટીમે બોલ ફેંકયો ત્યારે તેમનું ધ્યાન ન હોવાથી તેમને બોલ વાગ્યો હતો. તેમનો મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જોકે તેઓ બાકીની મેચમાં ભાગ લેશે નહીં. બંગાળના હેડ કોચ અરુણ લાલે પ્રથમ દિવસના અંતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, આ બહુ ખરાબ વિકેટ છે. બોલ બેટ પર આવતો નથી, આ ક્રિકેટ માટે સારું નથી. પહેલા દિવસે જ ડસ્ટીંગ જોવા મળી રહ્યું છે. હું એમ નથી કહેતો કે ફાઇનલ ન્યુટ્ર્લ વેન્યુ પર રમાવવી જોઈએ, પરંતુ ન્યુટ્ર્લ કયુરેટર તો હોય જ શકે છે. પિચ કયુરેટરે સારું કામ નથી કર્યું. મીડિયમ પેસરે એક સ્લીપ સાથે બોલિંગ કરી છે કારણકે બોલ સ્લીપ સુધી પહોંચી શકે તેમ છે જ નહીં, આ બહુ ખરાબ વિકેટ છે.

(3:56 pm IST)