Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ICCએ બાંગ્લાદેશી ક્રિકેટરો દ્વારા અન્ડર-૧૯ વિશ્વકપમાં જીત બાદ આક્રમક અંદાજમાં ઉજવણીના મામલાને ગંભીરતાથી લીધોઃ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદ સમીક્ષા કરશે

પોચેસ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા): રવિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપમાં બાંગ્લાદેશે ભારતને હરાવી દીધું હતું. પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશી ટીમે ભારતીય ટીમને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. પરંતુ જીત બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ જે પ્રકારની ઉજવણી કરી તે ક્રિકેટને ચાહનારા લોકોને પસંદ આવી નથી. જોશમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ હોશ ગુમાવ્યા અને ત્યારબાદ તેના માટે કેપ્ટન અકબર અલીએ માફી પણ માગવી પડી હતી. હવે બાંગ્લાદેશી ક્રિકેટરોના વ્યવહારની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સમીક્ષા કરશે.

ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યું કે, આઈસીસીએ બાંગ્લાદેશી ક્રિકેટરો દ્વારા વિશ્વકપ જીત બાદ આક્રમક અંદાજમાં ઉજવણીના મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે કહ્યું કે, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ફાઇનલ મેચના અંતિમ મિનિટોની ફુટેજની સમીક્ષા કરી રહી છે.

કેટલાક બાંગ્લાદેશી ખેલાડીઓએ જશ્ન મનાવવા દરમિયાન જુસ્સો ગુમાવી દીધો હતો. રવિવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશે ભારતીય ટીમને ત્રણ વિકેટથી હરાવીને પ્રથમવાર આઈસીસી અન્ડર-19 વિશ્વકપ પર કબજો કર્યો હતો. મેચ બાદ બાંગ્લાદેશી કેપ્ટન અકબર અલીએ 'દુર્ભાગ્યપૂર્ણ ઘટના' માટે માફી માગી તો ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે બાંગ્લાદેશી ખેલાડીઓના વલણને 'ડર્ટી' ગણાવ્યું હતું.

પટેલે રવિવારે ક્રિકઇન્ફોને જણાવ્યું, 'અમને સમજાયું નહીં કે હકિકતમાં શું થયું.'

પટેલે કહ્યું, 'બધા આઘાતમાં હતા. અમને સમજાતું નહતું કે શું થઈ રહ્યું છે. આઈસીસીના અધિકારીઓ મેચની અંતિમ ક્ષણોના વીડિયો ફુટેજ જોઈ રહ્યાં છે અને તે અમને તેના વિશે જાણકારી આપશે.'

ત્યાં સુધી કે જ્યારે મેચ ચાલી રહી હતી ત્યારે પણ બાંગ્લાદેશના ખેલાડી જરૂર કરતા વધારે આક્રમક થઈ રહ્યાં હતા. તેની ટીમનો ફાસ્ટ બોલર શોરિફુલ ઇસ્લામ દરેક બોલ બાદ ભારતીય બેટ્સમેનોને સ્લેજ કરી રહ્યો હતો.

જ્યારે મેચ સમાપ્ત થઈ, મામલો વધુ ગંભીર થી ગયો જ્યારે બાંગ્લાદેશી ખેલાડી મેદાન પર આવી ગયા અને આક્રમક શારીરિક ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા. બંન્ને ટીમોના ખેલાડીઓ વચ્ચે સ્થિતિ વધુ તણાવપૂર્ણ થઈ ગઈ હતી પરંતુ કોચિંગ સ્ટાફે મેદાન પર આવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પટેલે દાવો કર્યો કે મેચ રેફરી ગ્રીમ લૈબરૂઈએ તેની સાથે મુલાકાત કરીને મેદાન પર થયેલી ઘટનાઓ માટે દુખ વ્યક્ત કર્યું હતું.

(4:16 pm IST)