Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

યુસુફ પઠાણ પર મૂકાશે ચાર વર્ષનો પ્રતિબંધ?

વર્લ્ડ એન્ટી ડોપીંગ એજન્સીના પ્રોટોકોલ મુજબ કેસ હજુ ચાલુ છે, ચાર વર્ષના પ્રતિબંધની જોગવાઈ ટેનિસસ્ટાર મારીયા શારાપોવાએ પણ આવી જ દવાનું સેવન કરેલુ

વડોદરાનો ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણ ભલે ડોપ અપરાધ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે લગાવેલા પ્રતિબંધને પાંચ મહિનાના પૂરો કરી લેશે, પરંતુ વર્લ્ડ એન્ટી - ડોપીંગ એજન્સી (WADA)ના પ્રોટોકોલ મુજબ કેસ હજી પણ ચાલુ છે. ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પર ડોપ - ટેસ્ટમાં નિષ્ફળ રહેવાને કારણે મૂકવામાં આવેલો પ્રતિબંધ ૧૪ જાન્યુઆરીએ પૂરો થશે. ભારતીય ક્રિકેટ બોર્ડે યુસુફની એ દલીલ સ્વીકારી લીધી હતી કે તેણે ભૂલથી પ્રતિબંધિત દવાનું સેવન કર્યુ હતું.

જો કે WADAના મીડીયા અને કોમ્યુનિકેશન મેનેજર મેગી ડ્યુહોને ઈ-મેઈલના જવાબમાં કહ્યુ હતું કે આ મામલો હજી સક્રિય છે એટલે એના પર અમે કોઈ ટિપ્પણી નહિં કરીએ. WADAની આચારસંહિતા ૨૦૧૫ મુજબ પહેલી વખતના અપરાધ માટે ચાર વર્ષના પ્રતિબંધની જોગવાઈ છે.

અગાઉ રશિયાની ટેનીસ ખેલાડી મારીયા શારાપોવા પર પણ આ જ પ્રમાણે ભૂલથી પ્રતિબંધિત દવા લેવાના કેસમાં WADA દ્વારા બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અપીલ કરતા સજા ઘટાડીને ૧૫ મહિનાની કરવામાં આવી હતી. યુસુફ પઠાણે પણ ૨૦૧૭ની ૧૬ માર્ચે દિલ્હીમાં એક ડોમેસ્ટીક ટી-૨૦ મેચ દરમિયાન યુરિનનું સેમ્પલ આપ્યુ હતું. જેમાં પ્રતિબંધિત પદાર્થ ટર્બ્યુટેલીન જોવા મળ્યો હતો. જે સામાન્ય રીતે ખાંસીની દવા (કફ સીરપ) હોય છે. તેણે કરેલી દલીલ મુજબ એ દવા તેણે ભૂલથી લીધી હતી.

(11:11 am IST)