Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઓલિમ્પિકસમાં ટી-૨૦ ક્રિકેટને જોવાની પોન્ટીંગની ઈચ્છાને ક્રિકેટ બોર્ડ સફળ નહિં થવા દે

જો ઓલિમ્પિકસમાં ભારત સામેલ થાય તો બીસીસીઆઈ પોતાની સ્વાયતતા ગુમાવે : જો આવું થાય તો ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાની સ્વાયત્તા ગુમાવે તેમ જ ઈન્ડિયન ઓલિમ્પિકસ કમીટીના આધિપત્ય હેઠળ આવી જવું પડે

ગયા સપ્તાહમાં મેરીલબોન ક્રિકેટ કલબ (એમસીસી) વર્લ્ડ ક્રિકેટ કમીટીની સીડનીમાં મળેલી બેઠકમાં ક્રિકેટને ઓલિમ્પિકસમાં ફરીથી સામેલ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ક્રિેકટરોના જણાવ્યા પ્રમાણે ક્રિકેટને જો ઓલિમ્પિકસમાં સામેલ કરવામાં આવે તો આ રમતને બહુ લાભ થશે. આ સમિતિમાં સામેલ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગે કહ્યું હતું કે જો આપણે ઓલિમ્પિકસમાં સામેલ થઈ જઈએ તો તમામે પોતાની સર્વશ્રેષ્ઠ ટીમોને જ મોકલવી જોઈએ. જેથી દુનિયા જોઈ શકે કે આ રમત શું છે. ખેલાડીઓ પણ એવુ જ ઈચ્છે છે, કારણ કે તેમને ખબર છે કે એનો કેટલો ફાયદો છે.આ સમિતિમાં પોન્ટીંગ ઉપરાંત માઈક ગેટીંગ, કુમાર સંગકારા અને સૌરવ ગાંગુલી સહિત કુલ ૧૪ ભૂતપૂર્વ ખેલાડીઓ છે.જો કે પ્રસ્તાવ મોકલ્યા બાદ પણ એક દાયકા કરતા વધુ સમય રાહ જોવી પડશે. જો કે આ સમગ્ર પ્રસ્તાવના માર્ગમાં મોટુ વિઘ્ન ભારતીય ક્રિકેટ બોર્ડ છે. ગેટીંગના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન ઓલિમ્પિકસ એસોસીએશન સાથેના આંતરીક વિવાદોને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ આ પ્રયાસોને ટેકો નથી આપતુ. ગેટીંગે કહ્યુ હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડના આ અભિગમથી હું ઘણો નારાજ છું. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ પોતાના અભિગમ વિશે ફરીથી વિચાર કરે.ભારતીય ક્રિકેટ બોર્ડ એટલા માટે પણ આ પ્રસ્તાવથી દૂર રહેવા માગે છે. કારણ કે ઓલિમ્પિકસમાં સામેલ થવાથી એ ક્રિકેટ બોર્ડ પોતાની સ્વાયતતા ગુમાવશે તેમજ દેશની ઓલિમ્પિકસ કમીટીના આધિપત્ય હેઠળ આવશે. આમ અત્યારે તો પોન્ટીંગની ઈચ્છા પૂરી થાય એવું નથી લાગતું.

(11:10 am IST)