Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

પાર્થિવ પટેલે સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું બહુમાન મેળવ્યું'તુઃ ધનરાજ નથવાણી

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના ઉપપ્રમુખનું નિવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૦ :. ધનરાજ નથવાણી, ઉપપ્રમુખ ગુજરાત ક્રિકેટ એસોસીએશન (જી.સી.એ.) એ પાર્થિવ પટેલની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ અંગે નિવેદન આપ્યુ હતું.

ધનરાજભાઈ નથવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત ક્રિકેટ એસોસીએશન પાર્થિવ પટેલ અંગે ગર્વ અનુભવે છે. જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ને પ્રસિદ્ધિ અપાવી છે. તેમણે ભારત માટે ૨૫ ટેસ્ટ, ૩૮ વન-ડે ઈન્ટરનેશનલ અને કેટલીક ટી-૨૦ રમી છે અને ૨૦૦૨માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટમાં પદાર્પણ કરીને ભારતના સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું બહુમાન મેળવ્યુ હતુ.

તેમની કપ્તાનીમાં જી.સી.એ.ની ટીમે ૬૦ વર્ષ પછી પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી. સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ની ટીમે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વિજય મેળવ્યો ત્યારે તેમણે ટીમનું નેતૃત્વ કર્યુ હતું. અમે ક્રિકેટના વિકાસ અને વૃદ્ધિમાં તેમના પ્રદાનની નોંધ લઈએ છીએ અને પ્રશંસા કરીએ છીએ અને તેઓ ભવિષ્યના આયોજનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા ધનરાજભાઈ નથવાણીએ આપી હતી.

(12:45 pm IST)