Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

રણજી ફાઇનલ : બીજા દિવસે સૌરાષ્ટ્રની પકકડ : અર્પિતની મેરેથોન સદી પુજારા સાથે 142 રનની ભાગીદારી : 384 /8

રાજકોટ: રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં બંગાળ સામે સૌરાષ્ટ્રે બીજા દિવસના અંતે 8 વિકેટે 384 રન કર્યા છે. 206/5થી દિવસની શરૂઆત કરતા યજમાને આજે 3 વિકેટ ગુમાવી 178 રન ઉમેર્યા હતા. અર્પિત વસાવડાએ સતત બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી મારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે. આ તેની ચાલુ સીઝનની ચોથી સેન્ચુરી છે. તેણે એકપણ ફિફટી મારી નથી. ઇન્ડિયાના નંબર 3 ચેતેશ્વર પુજારા 66 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. બંનેએ 380 બોલમાં 142 રનની ભાગીદારી કરી હતી. બીજા દિવસના અંતે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ચિરાગ જાની બંને 13 રને અણનમ રહ્યા.

અર્પિતે સેમિફાઇનલમાં જ્યાંથી રમવાનું સમાપ્ત કર્યું હતું, ફાઈનલમાં ત્યાંથી જ શરૂઆત કરી છે. ગુજરાત સામે બીજી ઇનિંગ્સમાં 139 રન કરનાર અર્પિતને પુજારાની બીમારીના કારણે ગઈકાલે ચોથા ક્રમે બેટિંગ કરવા આવું પડ્યું હતું. તે સામાજન્‍ય રીતે સૌરાષ્ટ્ર માટે છઠ્ઠા ક્રમે બેટિંગ કરતો હોય છે. તેણે આજે 29 રને ઇનિંગ્સ રિઝ્યુમ કરી હતી. બંગાળના ફૂલ લેન્થને કવર્સ અને શોર્ટમાં કટ- અને પુલ ખુબજ સરળતાથી કર્યા

સ્પિનર મજુમદારના બોલમાં બેકફૂટ પર કટ કરીને બોલને પોઇન્ટ પાછળ સ્લાઈઝ કરાવી અર્પિત ટ્રિપલ ડિજિટ સુધી પહોંચ્યો હતો. તેણે તે પછી સિંહની જેમ ગર્જના કરી અને ડ્રેસિંગ રૂમમાં કપ્તાન જયદેવ ઉનડકટ સહિત આખી ટીમે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને આ માઈલસ્ટોનની સરાહના કરી હતી. પુજારાએ તેને ભેટી પડેલ.

ગઈ કાલે થ્રોટ ઇન્ફેક્શન અને તાવના કારણે રિટાયર્ડ હર્ટ થયેલા પુજારાએ આજે પોતાની નેચરલ શૈલીથી બેટિંગ કરતા 66 રન કર્યા હતા. તેણે આ માટે 237 બોલ રમ્યા હતા અને તેમાં 5 ફોર મારી હતી. તેની અને અર્પિતની ભાગીદારીએ સૌરાષ્ટ્રને મેચમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. તે બંનેએ છઠ્ઠી વિકેટ માટે 380 બોલમાં 142 રન જોડ્યા હતા. તેમજ આ દરમિયાન 297 મિનિટ સાથે બેટિંગ કરી હતી.

(7:39 pm IST)