Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

પુજારા એક ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનારામાં ઇન

યાદીમાં ભારત તરફથી વિજય હઝારે પ્રથમ ક્રમે : વિજય હઝારેએ ૧૯૪૮માં એડિલેડ ક્રિકેટ ટેસ્ટમાં ૬૭૫ બોલનો સામનો કરી બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી

એડિલેડ, તા. ૯ : એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમે તેની સ્થિતિ અતિમજબૂત બનાવી લીધી છે. ભારતે આ મજબૂત સ્થિતિ મેળવી લેવામાં ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ચાવીરુપ ભૂમિકા ભજવી છે. પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૧૨૪ અને બીજી ઇનિંગ્સમાં ૭૧ રન કર્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે ચાર વિકેટ ૪૧ રનમાં ગુમાવી દીધી હતી ત્યારે પુજારા મેદાનમાં આવ્યો હતો. ત્યારબાદ નિચલા ક્રમના બેટ્સમેનો સાથે મળીને તે સ્કોરને ૨૫૦ સુધી પહોંચાડવામાં સફળ રહ્યો હતો. આ મેચમાં પુજારાએ ૪૫૦ બોલનો સામનો કર્યો છે. આની સાથે જ તે ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલનો સામનો કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાને આવી ગયો છે. પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૬ અને બીજી ઇનિંગ્સમાં ૨૦૪ બોલનો સામનો કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ભારત માટે એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલનો સામનો કરનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો વિજય હજારે ટોપ ઉપર છે. ૧૯૪૮માં એડિલેડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં હઝારેએ પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૩ બોલનો સામનો કર્યો હતો અને ૧૧૬ રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ૩૭૨ બોલ રમ્યા હતા અને ૧૪૫ રન કર્યા હતા. આ યાદીમાં રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે. સચિન તેંડુલકર અને રવિ શાસ્ત્રી પણ આ યાદીમાં રહેલા છે. રાહુલ દ્રવિડે પણ પ્રથમ ઇનિંગ્સમાં બીજી સદી ફટકારી હતી. અને બીજી ઇનિંગ્સમાં અડધી સદી બનાવી હતી જેથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. રાહુલ દ્રવિડે પ્રથમ ઇનિંગ્સમાં ૨૩૩ રન કર્યા હતા જેમાં ૪૪૬ બોલનો સામનો કર્યો હતો જ્યારે બીજી ઇનિંગ્સમાં ૭૨ રન કર્યા હતા જેમાં ૧૭૦ બોલનો સામનો કર્યો હતો. યાદીમાં સચિન ત્રીજા સ્થાને છે. ૨૦૦૪ની સિડની ટેસ્ટમાં સચિન તેંડુલકરે ૫૨૫ બોલનો સામનો કર્યો હતો જે પૈકી પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૧ રનની ઇનિંગ્સમાં ૪૩૬ બોલ અને બીજી ઇનિંગ્સમાં ૮૯ બોલનો સામનો કરી બનાવવામાં આવેલા ૬૦ રનનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરાઈ હતી. રવિ શાસ્ત્રીએ પણ સિડનીમાં ૧૯૯૨માં ઇનિંગ્સની શરૂઆત કરીને ૨૦૬ રન કર્યા હતા જેમાં ૪૭૭ બોલનો સામનો કર્યો હતો. ૧૭ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ચેતેશ્વર પુજારા આધારભૂત બેટ્સમેન તરીકે ઉભરી ચુક્યો છે.

સૌથી વધુ બોલ રમનાર

એડિલેડ, તા. ૯ : એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. તે એક ખાસ બેટ્સમેનોની યાદીમાં જોડાઈ ગયો છે. એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ બોલનો સામનો કરનાર ખેલાડીઓની યાદીમાં તે સામેલ થઇ ગયો છે. આ યાદીમાં રહેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

ખેલાડી........................ એક ટેસ્ટમાં બોલનો સામનો

વિજય હઝારે................................................. ૬૭૫

રાહુલ દ્રવિડ.................................................. ૬૧૬

સચિન તેંડુલકર............................................ ૫૨૫

રવિ શાસ્ત્રી.................................................... ૪૭૭

ચેતેશ્વર પુજારા.............................................. ૪૫૦

(7:47 pm IST)