Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલે ઓછી ઉંમરમાં બેવડી સદી ફટકારીને ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી : ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલે ઓછી ઉંમરમાં બેવડી સદી લગાવવાનો ગૌતમ ગંભીરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. શુભમને ગુરૂવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની મેચમાં અણનમ 204 રન બનાવ્યા હતા. શુભમને ભારત તરફથી વિદેશી ટીમ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓછી ઉંમરમાં બેવડી સદી લગાવનાર ભારતીય ક્રિકેટર બન્યો છે. શુભમન ગિલે બેવડી સદી માત્ર 19 વર્ષ 334 દિવસની ઉંમરમાં બનાવ્યો છે. પહેલા રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે હતો જે એણે 2002માં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ ઇન્ડિયા બોર્ડ પ્રેસિડેન્ટ તરફથી રમતાં બનાવ્યો હતો. ગંભીરે બેવડી સદી 20 વર્ષ 124 દિવસની ઉંમરે બનાવી હતી.

19 વર્ષની ઉંમરે લગાવી બેવડી સદી

માત્ર 19 વર્ષિય શુભમને વેસ્ટ ઇન્ડિઝ વરૂધ્ધ અણનમ 204 રન બનાવ્યા છે. શુભમને પોતાની ઇનિંગમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. ભારત તરફથી રમતાં શુભમન પહેલી ઇનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. ભારતે પ્રથમ દાવમાં માત્ર 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ માત્ર 194 પર ઓલ આઉટ થઇ હતી.

કેપ્ટન હનુમા વિહારીની પણ સદી

બીજી ઇનિંગમાં ભારત ટીમની શરૂઆત સારી હતી. માત્ર 50 રનમાં ચાર વિકેટ પડી હતી. 3 નંબરે આવેલ શુભમને એક છેડો પકડી રાખ્યો હતો અને હનુમા વિહારીએ પોતાની શાનદાર ઇનિંગ રમી હતી. હનુમા વિહારીએ પણ સદી ફટકારી હતી.

પ્રદર્શન શાનદાર પણ સ્થાન નહીં

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ 2018માં વિશ્વ કપ વિજેતા અંડર 19 ટીમનો વાઇસ કેપ્ટન હતો. ગિલે અંડર 19 ની સેમી ફાઇનલમાં પાકિસ્તાન વિરૂધ્ધ મુશ્કેલ પરિસ્થિતિમાં સદી લગાવી હતી. વખતે ગિલની ભારતીય ટીમમાં પસંદગી થવાની અટકળો તેજ બની હતી. પરંતુ એવું બન્યું નથી. સ્થાનિક ક્રિકેટમાં શુભમનનું પ્રદર્શન સારૂ ચાલી રહ્યું છે પરંતુ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે પણ શુભમનની મુખ્ય ટીમ માટે પસંદગી કરવામાં આવી નથી.

(6:05 pm IST)