Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

'તું કયારેય દોડી નહિ શકે' એમ ડોકટરે કહેલુ, હવે એ ખેલાડી ભારત માટે ઓલિમ્પિકમાં દોડશે

સાર્થક ભામશ્રી દોડમાં ગોલ્ડ માટેની તૈયારી કરી રહયો છે

નવી દિલ્લીઃ સાર્થક ભામબ્રી આ ખેલાડી ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ૪*૪૦૦ મીટર મિકસડ રેસમાં દોડશે. સાર્થકને ચાર વર્ષ અગાઉ ડોકટરે કહ્યું હતું કે, તું દોડી નહીં શકે. ત્યારબાદ સાર્થકે પોતાનું સપનું સાકાર કરવા તન તોડ મહેનત કરી અને આજે તે દેશનું ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. ૨૦૧૭ની શરૂઆતમાં સાર્થકને પોતાના જમણા ઘૂંટણમાં દોડતી વખતે તકલીફ થઈ રહી હતી. જ્યારે, પણ સાર્થક દોડતો ત્યારે તેને ઘૂંટણમાં દુખાવો ઉપડતો. જેના કારણે તેણે ઘૂંટણની સર્જરી કરવી પડી હતી. સર્જરી થઈ ગઈ પરંતુ ત્યારબાદ ડોકટરે તેને જણાવ્યું હતું કે, તે પહેલાની જેમ નહીં દોડી શકે. જે વાતથી તે ઘબરાયો હતો. પણ થોડા સમય બાદ તેણે હિંમત કરીને ફરીથી ટ્રેનિંગ શરૂ કરી.

 સર્જરી બાદ તે ૨૦૧૯માં તે પ્રથમવાર દિલ્લી સ્ટેટ એથ્લેટીકસ ચેમ્પિયનશીપમાં ઉતર્યો હતો. જેમાં, સાર્થકે ૨૦૦ અને ૪૦૦ મીટરની રેસમાં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ૨ મેડલથી સાર્થકમાં ફરી ઉત્સાહ આવ્યો અને તે આગળ વધ્યો. ૨૦૨૦માં ફેડરેશન કપમાં તેણે ૪૦૦ મીટર રેસમાં ભાગ લીધો. અને ફેડરેશન કપમાં તે ચોથા ક્રમે આવ્યો. જેના કારણે તેને પોલેન્ડ ખાતેના ૨૦૨૧ના વર્લ્ડ એથ્લેટીકસ રિલેસ સિલેશિયામાં ભાગ લેવાનો મોકો મળ્યો. પરંતુ, વિઝાના પ્રોબ્લેમના કારણે સાર્થક તે ઇવેન્ટમાં ભાગ લઈ નહીં શક્યો.

 ત્યારે, થોડા દિવસો અગાઉ જ એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓલિમ્પિકસની ૪ * ૪૦૦ મિકસડ રિલે રેસ ટીમના ખેલાડીઓની પસંદગી માટે સિલેકશન રાખવામાં આવ્યું હતું. જેમાં, સાર્થકે ૪૭.૭૩ સેકન્ડમાં ૪૦૦ મીટરને રેસ પ્રથમ ક્રમાંકે પૂર્ણ કરીને જીત્યો હતો. જેના પગલે તેનું ભારત માટે ઓલિમ્પિકસમાં પ્રતિનિધિત્વ કરવાનું સપનું સાકાર થયું છે. ત્યારે, હવે સાર્થક ભામબ્રીની નજર ટોક્યો ઓલિમ્પિક પર છે અને તે પોતાના દેશ માટે ગોલ્ડ લાવવાની તૈયારીઓ કરી રહ્યો છે.

(3:12 pm IST)