Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ભારત પાસે યુવા અને અનુભવનું શાનદાર સંયોજન છે: કપિલ દેવ

નવી દિલ્હી: પૂર્વ કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે યુવા તથા અનુભવનાં સંયોજન અને મહેન્દ્ર સિંહ ધોની તેમજ વિરાટ કોહલી જેવા ખેલાડીઓની હાજરીનાં કારણે ભારત ત્રીજીવાર વિશ્વ કપ જીતી શકે છે. વિશ્વ કપ 30 મેનાં રોજ બ્રિટેનમાં શરૂ થશે જેમાંથી 10 ટીમો એક-બીજા સામે ટકરાશે. ભારતે જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે તેમાં ધોની, કોહલી, રોહિત શર્મા, મોહમ્મદ શમી અને શિખર ધવન જેવા અનુભવી ખેલાડીઓ છે, તેમજ જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ જવા ઉભરતા ખેલાડી પણ સામેલ છે.ભારતની 1983 વિશ્વ કપ વિજેતા ટીમનાં કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, “ભારત પાસે યુવા અને અનુભવનું શાનદાર સંયોજન છે. તેઓ અન્ય ટીમો કરતા વધારે અનુભવી છે. ભારતીય ટીમ ઘણી સંતુલિત છે. ટીમની પાસે 4 ઝડપી બૉલર્સ અને 3 સ્પિનર્સ છે. તેમની પાસે વિરાટ કોહલી અને ધોની છે. ધોની અને કોહલીએ ભારત તરફથી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. બંનેનો કોઈ જવાબ નથી.” દિગ્ગજ ઑલરાઉન્ડરે સાથે ભારતનાં ઝડપી બૉલિંગ આક્રમણની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, “ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તેઓ સારું પ્રદર્શન કરશે. આપણી પાસે 4 ઝડપી બૉલર્સનું હોવું સારી વાત છે અને તે દરેક સારા બૉલર છે. મને લાગે છે કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તેમને બૉલ સ્વિંગ કરાવવામાં મદદ મળશે. ઉપરાંત શમી અને બુમરાહ જેવા બૉલર્સ 145 કિમીની ઝડપે બૉલિંગ કરી શકે છે. ભારતીય બૉલર્સ બૉલને સ્વિંગ કરાવી શકે છે.”કપિલ દેવે ભવિષ્યવાણી કરી છે કે ભારત ઉપરાંત યજમાન ઇંગ્લેન્ડ અને વર્તમાન ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, “મારું માનવું છે કે ભારત જરૂર ટૉપ 4માં પહોંચશે. ત્યારબાદની સ્થિતિ મુશ્કેલ હશે. સેમીફાઇનલ બાદ ભાગ્ય અને વ્યક્તિગત સ્કોર તેમજ ટીમ પ્રદર્શન રસ્તો નક્કી કરશે. ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારત ટૉપની ટીમો છે. ટીમો અન્યની તુલનામાં વધારે મજબૂત છે. ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ટીમો પણ ચોંકાવનારા પરિણામ આપી શકે છે.” હાર્દિક પંડ્યાની તુલના સતત કપિલ દેવ સાથે કરવામાં આવે છે. વિશે કપિલ દેવે કહ્યું કે, “તમારે હાર્દિક પંડ્યા પર દબાવ ના બનાવવો જોઇએ. તે ઘણો પ્રતિભાશાળી છે. તેને તેની નૈસર્ગિક રમત રમવા દો. મને કોઇની તુલના કોઇ સાથે કરવી પસંદ નથી. આનાથી ખેલાડી પર દબાવ આવે છે.”

(5:46 pm IST)