Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ઈંગ્લેન્ડના બેટ્સમેન પર અમે દબાણ બનાવી શક્યા નહીં

ભારતના શરમજનક પરાજય બાદ સુકાની વિરાટ કોહલી નું નિવેદન : વિકેટ ધીમી હતી અને બોલર્સને યોગ્ય મદદ ન મળી જેથી બેટ્સમેનને ક્રીઝ પર ટકી રહેવાનું સરળ થઈ ગયું

ચેન્નાઈ, તા. : ઈંગ્લેન્ડે ભારતને ચેન્નઈમાં સીરીઝની પહેલી મેચમાં ૨૨૭ રનની ઈનિંગથી હાર આપી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાર પછી માન્યું કે તેમની ટીમે ઈંગ્લેન્ડ પર વધારે દબાણ બનાવ્યું નહોતું. કોહલીએ કહ્યું કે, મને નથી લાગતું કે મેચના પહેલા તબક્કામાં અમે બોલિંગ આક્રમણથી તેમના પર જરુરી દબાણ બનાવ્યું હોય. કુલ જોઈએ તો એક બોલિંગ યૂનિટ તરીકે અમારે તેમને નિયંત્રણમાં રાખવા જોઈતા હતાં. ભારત સામે ચોથી ઈનિંગમાં ૪૨૦નો ટાર્ગેટ હતો પરંતુ મંગળવારે મેચના છેલ્લા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર ૧૯૨ રન પર સમેટાઈ હતી. કેપ્ટન કોહલીએ બીજી ઈનીંગમાં સૌથી વધારે ૭૨ રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડ તરફથી ડાબોડી સ્પિનડર જેક લીચે ચાર વિકેટ ઝડપી હતી.

કોહલીએ પણ કહ્યું કે, ઝડપી બોલર અને અશ્વિને પહેલી ઈનિંગમાં સારી બોલિંગ કરી હતી પરંતુ સાથે અમારે રન પર અંકુશ રાખવાની જરુર હતી જેથી કેટલુંક દબાણ પણ બનાવી શકાય. જોકે, કોહલીએ પણ માન્યું કે વિકેટની ભૂમિકા પણ મહત્વની હતી. તેમણે કહ્યું કે, વિકેટ ધીમી હતી અને બોલર્સને રીતે મદદ મળી જેથી બેટ્સમેનને ક્રીઝ બદલવી સરળ થઈ ગયું હતું. એવું લાગ્યું કે પહેલા બે દિવસમાં વિકેટ પરથી બોલર્સને ખાસ મદદ મળી નહોતી.

જોકે, કોહલીએ ઈંગ્લેન્ડની ટીમને તેની રમત માટે શ્રેય આપ્યો હતો. કોહલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડે જે રીતની રમત દાખવી તે માટે તેમને શ્રેય મળવો જોઈએ. તેમણે બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો. અમારી બોડી લેંગ્વેજ અને ઝનૂન એટલા સ્તરનું નહોતું.

(7:29 pm IST)