Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

આફ્રિકા-ભારત વચ્ચે ચોથી વનડે મેચને લઇને ઉત્સુકતા

શનિવારે જોહાનીસબર્ગમાં વનડે જંગ ખેલાશે : શરૂઆતની ત્રણે વનડે મેચો જીતી લીધા બાદથી ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો વધ્યો છેઃ ડીવિલિયર્સ સામેલ

જોહાનીસબર્ગ,તા.૯ : જોહાનીસબર્ગના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની ત્રણેય મેચો જીતીને શ્રેણીમાં ૩-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. આ મેચ જીતી ભારતીય  ટીમ શ્રેણી જીતી લેવા માટે સજ્જ છે. ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા આ મેચ પણ ભારત જીતી લેશે તેમ માનવામાં આવે છે. જો કે આફ્રિકાની છાવણીને રાહત થઇ છે. કારણ કે તેના સૌથી શક્તિશાળી ખેલાડી એબી ડિવિલિયર્સની વાપસી થઇ ગઇ છે.  વિરાટ કોહલી ધરખમ ફોર્મમાં ચાલી રહ્યો છે છતાં પણ ભારતીય ટીમને સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે, ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં આફ્રિકાએ ભારત ઉપર જીત મેળવી હતી. રહાણે, વિરાટ કોહલી, શિખર ધવન ફોર્મ મેળવી ચુક્યા છે પરંતુ રોહિત શર્મા પાસેથી અપેક્ષા મુજબની બેટિંગ હજુ જોવા મળી નથી. અત્રે નોંધનીય છે કે સાતમી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડક્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ચહેલે ૪૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી. તે પહેલા  ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. બન્ને ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, બુમરાહ, ચહેલ, શિખર ધવન, ધોની, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અજન્કિયા રહાણે, શાર્દુલ ઠાકુર

આફ્રિકન ટીમ : મારક્રમ (કેપ્ટન), હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, મોર્ને મોર્કેલ, ક્રિસ મેરિસ, લુંગી ગીડી, ફેલુકવાયો, રબાડા, સામ્સી, ઝોન્ડો, ડિવિલિયર્સ

બાકીની મેચનો કાર્યક્રમ

ભારત ૩-૦થી હાલ આગળ

        જોહાનીસર્ગ, તા.૯ : કેપટાઉન ખાતે આવતીકાલે છ બે વનડે મેચો રમાયા બાદ બાકીની મેચનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*            ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ચોથી વનડે

*            ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં પાંચમી વનડે

*            ૧૬મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં છઠ્ઠી વનડે

*            ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્વેન્ટી

*            ૨૧મી ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં બીજી ટ્વેન્ટી

*            ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી ટ્વેન્ટી

નોંધ : તમામ વનડે મેચોનું પ્રસારણ સાંજે ૪.૩૦ વાગ્યાથી અને ટ્વેન્ટી મેચોનું પ્રસારણ ૯.૩૦ વાગ્યાથી કરાશે

મેચના રોમાંચની સાથે સાથે

એબી ડિવિલિયર્સની ટીમમાં વાપસી થઇ ગઇ

        જોહાનીસબર્ગ, તા.૯ : જોહાનીસબર્ગના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની ત્રણેય મેચો જીતીને શ્રેણીમાં ૩-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. આ મેચ જીતી ભારતીય  ટીમ શ્રેણી જીતી લેવા માટે સજ્જ છે. ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા આ મેચ પણ ભારત જીતી લેશે તેમ માનવામાં આવે છે. જો કે આફ્રિકાની છાવણીને રાહત થઇ છે. કારણ કે તેના સૌથી શક્તિશાળી ખેલાડી એબી ડિવિલિયર્સની વાપસી થઇ ગઇ છે. મેચના રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે.

*    કેપટાઉન ખાતે ત્રીજી મેચમાં જોરદાર દેખાવ કર્યા બાદ ભારતીય ટીમ જોહાનીસબર્ગમાં પણ ભવ્ય દેખાવ કરીને શ્રેણી જીતી લેવા માટે તૈયાર

*    સતત ત્રણ મેચ જીતી ગયા બાદ ભારતીય બેટ્સમેનો અને બોલરોનો નૈતિક જુસ્સો હાલમાં આસમાન પર પહોંચી ગયો છે

*    આફ્રિકન ટીમમાં એબી ડિવિલિયર્સની વાપસી થઇ ગયા બાદ આક્રિકન ટીમને રાહત થઇ

*    કેપટાઉન ખાતે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારતે ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી

*    દક્ષિણ આફ્રિકાની સામે તેની જમીન પર રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત ભારતને કેપટાઉન ખાતેની ત્રીજી વનડે મેચમાં મળી હતી

*    ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડ્કયો હતો

*    ભારતના જંગી જુમલાના જવાબમાં આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ

*    ભારત તરફથી યુજવેન્દ્ર ચહલ અને કુલદીપે તરખાટ મચાવી ચાર ચાર વિકેટ ઝડપી. બન્ને બોલરો ફરી એકવાર જોરદાર દેખાવ કરવા માટે તૈયાર

*    ભારતે શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી છે

*    ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ કર્યા બાદ ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં પ્રભુત્વ જમાવવામાં સફળ રહી

*    વિરાટ કોહલીએ બે વન ડે સદી આ શ્રેણીમાં હજુ સુધી ફટકારી દીધી છે

*    શિખર ધવન પર શાનદાર બેટિંગ કરવામાં સફળ રહ્યો છે

(12:53 pm IST)