Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

T20 World Cup 2021:વિરાટનું સપનું તૂટવા પાછળ ૩ ખેલાડીઓનું ખરાબ સિલેક્શન પણ સામેલ

અફઘાનિસ્તાન જો ન્યૂઝીલેન્ડને હરાવી દેત તો ભારત સેમી ફાઈનલમાં પહોંચી શકે તેમ હતું

નવી દિલ્હી: ક્રિકેટપ્રેમીઓને કદાચ એ વાત પર વિશ્વાસ નહીં આવે કે ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતવા માટે જે ટીમ સૌથી મોટી દાવેદાર ગણાતી હતી તે ભારતીય ટીમ હવે સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કરોડો ફેન્સને ટીમ ઈન્ડિયા બહાર થઈ જવાના કારણે ધક્કો લાગ્યો છે જ્યારે ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે પણ આ એક મોટો ઝટકો છે. કારણ કે વિરાટ ટી20માં છેલ્લીવાર આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ વિરાટનું આ સપનું તૂટવા પાછળ કેટલાક ખેલાડીઓનું ખરાબ સિલેક્શન પણ સામેલ છે. 

આ ખેલાડીઓના કારણે વિરાટનું સપનું તૂટ્યું

1. ભુવનેશ્વરકુમાર
ટી20 વર્લ્ડ કપ 2021માં  ભારતીય ટીમનો સૌથી દિગ્ગજ ગણાતો ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર અનેક વર્ષથી ટીમની સૌથી મોટી તાકાત બની રહ્યો હતો. પરંતુ આ બોલર ગત વર્ષે ઈજામાંથી વાપસી કર્યા બાદ પોતાના ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ભુવનેશ્વરકુમારે પહેલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની દસ વિકેટની હારમાં ખુબ જ ખરાબ બોલિંગ કરી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને તેને ઝૂડી નાખ્યો હતો. 3 ઓવરમાં કોઈ પણ વિકેટ વગર ભુવીએ આ મેચમાં 25 રન આપ્યા હતા. બીજી બે મેચમાં તેને બહાર કરાયો અને શાર્દુલ ઠાકુરને તેની જગ્યાએ લીધો. ટી20 વર્લ્ડ કપમાં ભારતના મુખ્ય બોલરોમાંથી એક તરીકે ભુવનેશ્વરકુમાર તરફથી ખુબ આશા હતી પરંતુ તેનું અભિયાન નિરાશાજનક રહ્યું. 

2. હાર્દિક પંડ્યા
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ 2021ના બીજા હાફમાં જરાય બોલિંગ કરી નહીં. પરંતુ ટીમમાં ટીની જગ્યા પર સવાલ ઉઠ્યો કારણ કે તેને એક મુખ્ય બેટ્સમેન તરીકે લેવાયો હતો. તેણે પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચમાં બોલિંગ કરી નહીં, જ્યારે બેટથી પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો. તેને મેચ દરમિયાન ખભે ઈજા પણ થઈ અને  બાદમાં સ્કેન માટે લઈ જવાયો. જેના કારણે તેની ફિટનેસ પર સવાલ ઉઠ્યા. હાર્દિક પાસેથી ટી20 વર્લ્ડ કપમાં ભારતને સૌથી મોટા ગેમ ચેન્જર તરીકે આશા હતી. પરંતુ તે બોલ અને બેટ બંનેના પરફોર્મન્સમાં નિષ્ફળ જોવા મળ્યો. 

3. વરુણ ચક્રવર્તી
એક ઉભરતી મિસ્ટ્રી સ્પિનર તરીકે ઓળખ મેળવનારો વરુણ ચક્રવર્તી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. તેને ટી20 વર્લ્ડ કપમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ કરતા ઉપર જગ્યા અપાઈ પરંતુ આ બોલર આશા પર ખરો ઉતરી શક્યો નહીં. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંને વિરુદ્ધ મેચોમાં એક પણ વિકેટ ન લીધા બાદ તેને અફઘાનિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ 11માંથી હટાવી દેવાયો હતો. તેની પાસેથી આ ટુર્નામેન્ટમાં જેટલી આશા રખાઈ હતી તે તેનું અડધુ પણ પૂરું કરી શક્યો નહીં. 

અફઘાનિસ્તાનની હાર સાથે તૂટ્યું સપનું
અફઘાનિસ્તાનને ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી હરાવ્યું. પરંતુ આ હાર સાથે ટીમ ઈન્ડિયાનું આ વર્ષે વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ તૂટી ગયું છે. અફઘાનિસ્તાન જો ન્યૂઝીલેન્ડને હરાવી દેત તો ભારત સેમી ફાઈનલમાં પહોંચી શકે તેમ હતું. પરંતુ એ શક્ય બન્યું નહીં. આ સાથે જ ન્યૂઝીલેન્ડના 8 અંક થયા અને તે અંતિમ 4માં પહોંચી ગઈ. ભારતની આગામી મેચ નામીબિયા સામે છે. જીતે તો પણ 6 અંક જ મળશે. આમ હવે તેનો સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો છે. 

(10:51 am IST)