Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

ન્યૂઝીલેન્ડ-અફઘાન મેચની પિચ બનાવનાર ભારતીય પિચ ક્યૂરેટર મોહન સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો

મોહન છેલ્લા 15 વર્ષથી અબુધાબી ક્રિકેટ સાથે જોડાયેલો હતો અને વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં પણ મેચો માટે પિચ તૈયાર કરી હતી

નવી દિલ્હીઃ પિચ ક્યૂરેટર મોહન સિંહનું રવિવાર અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ મેચના કેટલાક કલાક પહેલા મોત થયું છે. તે અબુધાબી ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય પિચ ક્યૂરેટર તરીકે કામ કરી રહ્યા હતા. યૂએઈ ક્રિકેટે આ દુર્ભાગ્યપૂર્ણ સમાચારની પૃષ્ટી કરી છે. યૂએઈ ક્રિકેટે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. જોકે તેમના મોતનું કારણ જાણી શકાયું નથી.

પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝના જણાવ્યા અનુસાર પીચ બનાવનાર ક્યૂરેટર મોહન સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. મૃત્યુનું કારણ હજી બહાર આવ્યું નથી. પ્રશાસને મોતનું કારણ જાણવા માટે આ મામલે તપાસ શરૂ કરી છે. આ વિશે જલ્દી એક વિસ્તૃત નિવેદન જાહેર થવાની આશા છે.

યૂએઈ ક્રિકેટે અમીરાત ક્રિકેટ બોર્ડના હવાલાથી ટ્વિટર પર લખ્યું કે અમીરાત ક્રિકેટ બોર્ડ આ મુશ્કેલીના સમયમાં મોહન સિંહના પરિવાર અને મિત્રો સાથે ઉભું છે. મોહન છેલ્લા 15 વર્ષથી અબુધાબી ક્રિકેટ સાથે જોડાયેલો હતો અને વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં પણ મેચો માટે પિચ તૈયાર કરી હતી.

36 વર્ષીય મોહન સિંહ ભારતના રહેવાસી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ આ વિકેટ પર રમ્યા છે અને તમામ વિકેટ મોહન સિંહે જ બનાવી છે.

એક સૂત્રએ જણાવ્યું કે આ ઘટના રવિવારની છે અને જ્યારે બધુ સ્પષ્ટ થશે તો બધી માહિતી સામે આવશે. આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. મોહન સિંહે 2000ના દશકની શરૂઆતમાં યૂએઈ ગયા પહેલા મોહાલીમાં બીસીસીઆઈના પૂર્વ મુખ્ય પિચ ક્યૂરેટર દલજીત સિંહની દેખરેખમાં કામ કર્યું હતું. લગભગ 22 વર્ષ સુધી ભારતીય ક્રિકેટની સેવા કરનાર દલજીત મોહનના મોતના સમાચાર સાંભળી આઘાતમાં છે.

મોહન સપ્ટેમ્બર 2004માં પંજાબ ક્રિકેટ સ્ટેડિયમ મોહાલીમાં ક્યૂરેટર બનવાની તાલીમ લીધા બાદ અબુ ધાબી આવ્યા હતા, જ્યાં તેઓ 1994થી ગ્રાઉન્ડ સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા.

(10:50 am IST)