Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ત્રીજી વનડે મેચ : ભારત પર ઓસ્ટ્રેલિયાની ૩૨ રને જીત

વિરાટ કોહલીની શાનદાર સદી કામ ન લાગીઃ ઓસ્ટ્રેલિયાના ૩૧૩ના જવાબમાં ભારત ૨૮૧ રનમાં ઓલઆઉટ થયું : ભારતની શ્રેણીમાં ૨-૧ની રહેલી લીડ

રાંચી, તા. ૮: રાંચીમાં આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમની ૩૨ રને હાર થઇ હતી. જીતવા માટેના ૩૧૪ રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૪૮.૩ ઓવરમાં ૨૮૧ રન કરી શકી હતી. આની સાથે જ તેની હાર થઇ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં વનડે કેરિયરની ૪૧મી સદી ફટકારી હતી પરંતુ તેની સદી કામ લાગી ન હતી. આ જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી છે. ભારતે શરૂઆતની બે મેચો જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ આજે વધુ એક કેપ્ટન ઇનિંગ્સ રમી હતી અને શાનદાર ૧૨૩ રન બનાવ્યા હતા જેમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે તે પહેલા ઓસ્ટ્રેલિયાએ આજે ૫૦ ઓવરમાં પાંચ વિકટે ૩૧૩ રન કર્યા હતા જેમાં ખ્વાજાએ ૧૦૪, કેપ્ટન ફિન્ચે ૯૩ અને મેક્સવેલે ૪૭ રન કર્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ ૧૨૩ ઉપરાંત વિજય શંકરે ૩ર, ધોનીએ ૨૬ રન કર્યા હતા. રોહિત શર્મા અને શિખર ધવન ફરી એકવાર ફ્લોપ રહ્યા હતા. અગાઉ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકર બાદ વનડે સદીના મામલામાં વિરાટ કોહલી હવે બીજા સ્થાને પહોંચી ગયો હતો.

વિરાટ કોહલીએ વનડે કેરિયરની નાગપુરમાં ૪૦મી સદી ફટકારી હતી. સચિન તેંડુલકરે ૪૬૩ મેચોમાં ૪૯ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ ૨૨૪મી મેચ રમતા ૪૦ સદી પુરી કરી લીધી હતી. તેની સરેરાશને જોતા આગામી દિવસોમાં તે ઝડપથી નવા રેકોર્ડ સુધી પહોંચી શકે છે. ક્રિસ ગેઇલ પણ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તે વનડે ક્રિકેટમાં ૨૫ સદી ફટકારી ચુક્યો છે.

(10:05 pm IST)