Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આઇપીએલની મેચોને વર્લ્ડકપની તૈયારીના માટે નથી : ભુવનેશ્વર

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરનારા ભુવનેશ્વર કુમારે સ્પષ્ટ કરી દીધું છે કે, ટીમ ઈન્ડિયા આઇપીએલની મેચોને વર્લ્ડકપની તૈયારીના ભાગરૃપે લઈ રહી નથી. બે વન ડેમાં આરામ કર્યા બાદ ટીમમાં પાછા ફરેલા ભુવનેશ્વરે કહ્યું કે, આઇપીએલ એ વર્લ્ડકપની પુર્વતૈયારી માટેનું પ્લેટફોર્મ નથી. આઇપીએલમાં ખેલાડીઓ તેમના કૌશલ્યોને નિખાર આપી શકે છે, પણ ટ્વેન્ટી-૨૦ અને વન ડે એ બંને તદ્દન ભિન્ન છે. બંને ફોર્મેટમાં મોટો તફાવત છે અને તેના કારણે બંનેની વ્યુહરચના પણ અલગ હોય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે માત્ર ત્રણ વન ડે બાકી રહી છે. ભારતની આ વર્લ્ડકપ અગાઉની આખરી મેચો હોવાથી ટીમ મેનેજમેન્ટનું ફોકસ વધુને વધુ ખેલાડીઓ અને કોમ્બિનેશનને અજમાવવાનું રહેશે. ભુવનેશ્વરે કહ્યું કે, અમારૃ ફોક્સ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની આખરી ત્રણ મેચ પર છે. આ જ વર્લ્ડકપ અગાઉની અમારી આખરી મેચો છે, જેના કારણે અમે તેને ખુબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.વર્લ્ડકપ નજીક છે, ત્યારે આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓ પર વધુ ભારણ ન નાખે તે જરુરી છે. જે અંગે ભુવનેશ્વરે કહ્યું કે, આઇપીએલની ફ્રેન્ચાઈઝી કરતાં દેશહીત દરેક ખેલાડી માટે પહેલા આવે છે. મને વિશ્વાસ છે કે, ફ્રેન્ચાઈઝીઓ પણ આ બાબતને સારી રીતે સમજે છે અને તેઓ ખાસ કરીને ફાસ્ટરો પર વધુ કાર્યભારણ ન પડે તેનું ધ્યાન રાખશે. અગાઉ ભારતીય કેપ્ટન કોહલીએ તો વર્લ્ડકપ ટીમમા સામેલ ફાસ્ટ બોલરોને આઇપીએલમા આરામ ફરમાવવાની સલાહ આપી હતી. જોકે રોહિત શર્માએ તેના કરતાં ભિન્ન મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, આઇપીએલ ખેલાડીઓને ફોર્મ મેળવવા માટે જરુરી છે, જેના કારણે ખેલાડીઓએ ચિંતા વિના રમવું જોઈએ. આ પછી કોહલીએ તેનું વલણ બદલ્યું હતુ અને કહ્યું હતુ કે, વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવા નિશ્ચિત ખેલાડીઓએ નચિંત થઈને વર્લ્ડકપમાં રમવું જોઈએ. તેમના આઇપીએલના ફોર્મની અસર વર્લ્ડકપના સિલેક્શન પર નહી થાય.

(5:07 pm IST)