Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

દ્રવિડને ૨.૪ કરોડ પ્રોફેશ્નલ ફી ચૂકવાઈ

બીસીસીઆઈએ ક્રિકેટરોને આપેલી રકમની માહિતી વેબસાઈટ ઉપર મૂકી : નેહરાને વનટાઈમ બેનીફીટરૂપે ૬૦ લાખ, રહાણેને ૧.૪૭ કરોડ, હાર્દિકને ૧.૨૭ કરોડ, કુલદીપને ૧.૮ કરોડ, સહાને ૫૮ લાખ અને મુકુંદને ૩૩.૫૯ લાખ

અન્ડર-૧૯ વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૧૭ની ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ૬ મહિનાના સમયગાળા દરમિયાન તેણે કરેલી કામગીરી બદલ ૨.૪૩ કરોડ રૂપિયા પ્રોફેશ્નલ ફી ચૂકવી હતી, તો આ જ ટીમના બોલીંગ - કોચ પારસ મહાામ્બ્રેને ગયા ઓગષ્ટથી નવેમ્બર મહિના દરમિયાન ચાર મહિનાના સમયગાળા માટે કરેલી કામગીરી બદલ ૨૭ લાખ રૂપિયા પ્રોફેશ્નલ ફી ચૂકવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે વિવિધ ક્રિકેટરોને આપેલી રકમ વિશેની માહિતી વેબસાઈટ પર મૂકી હતી એ મુજબ ભૂતપૂર્વ બોલર આશિષ નેહરાને વન ટાઈમ બેનીફીટ મુજબ ૬૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ભારતીય ટીમના વર્તમાન ખેલાડીઓને મેચ અને રીટેઈનર ફી પણ ચૂકવવામાં આવી હતી. જેમાં અજિંકય રહાણેને ૧.૪૭ કરોડ રૂપિયા, હાર્દિક પંડ્યાને ૧.૨૭ કરોડ રૂપિયા, કુલદીપ યાદવને ૧.૦૮ કરોડ રૂપિયા, વૃદ્ધિમાન સહાને ૫૭.૯૧ લાખ રૂપિયા અને અભિનવ મુકુંદને ૩૩.૫૯ લાખ રૂપિયા ગયા વર્ષની સર્વિસપેટે ચૂકવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરીઝ દરમિયાન કોમેન્ટેટર તરીકેની કામગીરી બદલ સંજય માંજરેકર અને મુરલી કાર્તિકને અનુક્રમે ૩૬.૨૮ અને ૩૦.૬૧ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

(12:51 pm IST)