Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કન્કશન વિશે નિર્ણય લેવા તટસ્થ ડોકટરની નિમણૂક કરોઃ માર્ક વો

પ્રથમ ટી-ર૦માં જાડેજા ઇન્જર્ડ થતાં ચહલ સબસ્ટિટયુટ તરીકે ભારતે લેતા કાંગારૂઓને મરચા લાગ્યા હતા

સિડની તા. ૭: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર માર્ક વોનું માનવું છે કે આઇસીસીએ કન્કશન વિશેષ નિર્ણય લેવા માટે એક તટસ્થ ડોકટરની નિમણુક કરવી જોઇએ. વાસ્તવમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટી-ર૦ મેચમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને સ્પિનર યુઝવેન્દ્ર ચહલને કન્કશન સબસ્ટિટયુટ તરીકે રમવા બોલાવ્યો હતો. ચહલની જબરદસ્ત બોલિંગને કારણે ભારતને પહેલી ટીર૦ મેચ જીતવામાં સફળતા મળી હતી. જોકે એક ઓલરાઉન્ડરના બદલે બોલરને કન્કશન સબસ્ટિટયુટ તરીકે બોલાવવામાં આવતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર માર્ક વોનું કહેવું છે કે 'આઇસીસીએ આ મુદામાં ધ્યાન આપવું જોઇએ કે શું તમને કન્કશન વિશે નિર્ણય લેવા માટે એક તટસ્થ ડોકટરની જરૂર છે. સ્વાભાવિક છે કે ભારતીય ટીમના ડોકટરે જ આ નિર્ણય લીધો હતો. હું એમ નથી કહેતો કે એમાં કાંઇ ખોટું છે, પણ આઇસીસીએ પોતે મેડિકલ ઓફિસર અથવા તો ડોકટરની નિમણુક કરવી જોઇએ જે નિર્ણય લેવામાં તટસ્થ રહે.'

(2:50 pm IST)