Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ

નવી દિલ્હી: ફોર્બ્સે દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓની યાદી રજુ કરી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે જેનુ નામ દુનિયાના ટોપ-૧૦૦ ખેલાડીઓમાં સામેલ છે. 

આ યાદીમાં કોહલી ૮૩માં ક્રમાંકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એકપણ મહિલાને સ્થાન મળ્યુ નથી. ૨૯ વર્ષના કોહલીને ફોર્બ્સ લિસ્ટ ધ વર્લ્ડ હાઈએસ્ટ પેડ એથલીટ્સ અનુસાર કુલ ૨૪ મિલિયન ડોલર મળ્યા છે. આમાં ચાર મિલિયન ડોલર સેલેરી અને ૨૦ મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટના રુપમાં મળ્યા હોવાનુ દર્શાવાયુ છે. 
વર્ષ ૨૦૧૭માં આવેલ યાદીમાં રોનાલ્ડો આ મામલે પ્રથમ ક્રમાંક પર હતો, જ્યારે ભારતીય કેપ્ટન ૮૯માં સ્થાન પર હતો. વર્ષ ૨૦૧૭માં કોહલીની કુલ કમાણી ૨૨ મિલિયન હતી. જેમાં ત્રણ મિલિયન ડોલર સેલેરી અને ૧૯ મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટના રુપમાં મળ્યા હતા. બોક્સિંગ ચેમ્પ ફ્લોઈડ મેવેદર સૌથી અમિર ખેલાડીઓની યાદીમાં ટોપ પર છે. સાત વર્ષમાં ચોથી વખત સૌથી અમિર ખેલાડી બનેલ મેવેદરે કોનરર મેકગ્રેગર વિરુદ્ધ મેચમાં ૨૭૫ મિલિયન ડોલરની કમાણી કરી. આ સાથે જ મેવેદરે રોનાલ્ડો પાસેથી નંબર વનની ખુરશી છીનવી લીધી છે. રોનાલ્ડો છેલ્લા બે વર્ષથી સૌથી અમિર ખેલાડીઓમાં પ્રથમ ક્રમાંકે હતો. જ્યારે બીજા નંબરે આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સીનુ નામ આવે છે. મેસ્સીએ ચાલુ વર્ષે ૧૧૧ મિલિયન ડોલરની કમાણી કરી છે. તો ૧૦૮ મિલિયન ડોલરની કમાણી સાથે રોનાલ્ડો આ યાદીમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે.

(4:03 pm IST)