Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

IPL - 2020 પર કોરોના સંકટ

જોખમથી બચવા ખાલી સ્ટેડીયમમાં પણ મેચ યોજવા માટેની તૈયારી થઇ રહી છે

યુરોપમાં ખાલી સ્ટેડીયમમાં મેચ યોજાતી હોય છે : લોકો ટીવી પર લાઇવ પ્રસારણની મજા માણતા હોય છે

નવી દિલ્હી તા. ૭ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, કોરોના વાયરસના પ્રસાર છતાં ઇન્ડીયન પ્રિમીયર લીગ (આઇપીએલ) નક્કી કાર્યક્રમ મુજબ ૨૯ માર્ચથી શરૂ થશે પણ દેશની આ સૌથી મોટી ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે જોખમથી બચવા માટે ખાલી સ્ટેડીયમોમાં મેચ કરાવવા અંગે વિચારાઇ રહ્યું છે.

સૂત્રો અનુસાર, આઇપીએલ શરૂ થવામાં થોડા અઠવાડિયા જ બાકી છે અને આરોગ્ય મંત્રાલયે ખેલ મંત્રાલય સમક્ષ પોતાની ચિંતાઓ જાહેર કરી છે. આ બાબતે આગામી સપ્તાહમાં આરોગ્ય મંત્રાલય અને બીસીસીઆઇના ઉચ્ચ અધિકારીઓની એક મીટીંગ થઇ શકે છે. આ વખતે આઇપીએલમાં નવ શહેરોમાં ૫૬ મેચ રમાવાના છે. ટુર્નામેન્ટની ફાઇનલ ૧૭ મે એ થશે. આઇપીએલ સાથે નજીકથી જોડાયેલ એક કંપનીના ટોચના અધિકારીએ કહ્યું, 'એક સ્ટેડીયમમાં જ્યારે ૩૦થી ૪૦ હજાર દર્શકો કલાકો સુધી સાથે બેસે, ત્યારે આરોગ્ય અંગેની ચિંતા થવી સ્વાભાવિક છે. આનો એક ઉપાય એ છે કે ખાલી સ્ટેડીયમમાં મેચ રમાડાય. યુરોપમાં ઘણાં દેશો આમ જ કરે છે અને અમેરિકામાં પણ આ બાબતે વિચાર થઇ રહ્યો છે.'

બીસીસીઆઇને એક ઇ-મેઇલ મોકલીને પૂછવામાં આવ્યું છે કે શું તે આવી યોજના પર સંમત થશે. પણ બોર્ડે આનો જવાબ નથી આપ્યો. સ્ટેડીયમોમાં ટીકીટના વેચાણથી આઇપીએલ ટીમોને ૮થી ૧૦ કરોડ રૂપિયા મળે છે જે તેમના કુલ ભંડોળની સરખામણીમાં કંઇ ન ગણાય. જરૂર પડયે બીસીસીઆઇ તેની ભરપાઇ કરી શકે છે. ફકત એક ટકા ક્રિકેટ પ્રેમીઓ જ સ્ટેડીયમમાં મેચ જોવે છે. જ્યારે બાકીના ટીવી અથવા ઓટીટી પ્લેટફોર્મ પર તેની મોજ માણે છે. આ ટુર્નામેન્ટમાં ડીઝની (પહેલા સ્ટાર ટીવી)ની મોટી રકમ દાવ પર લાગી છે. કેમકે કંપનીએ આઇપીએલના પ્રસારણ અને ડીજીટલ હક્ક માટે વાર્ષિક ૩૨૭૦ કરોડ રૂપિયાની પણ વધારે ચુકવ્યા છે. પણ દર્શકો વગર ટીમોની બ્રાંડ બનાવવાની પ્રક્રિયા પર ખરાબ અસર થશે. બ્રાન્ડ ફાઇનાન્સના આંકડાઓ અનુસાર, આઇપીએલની આઠ ટીમોનું મૂલ્યાંકન લગભગ ૫.૭ અબજ ડોલર છે. જો કે ગાંગુલીએ એવું કહીને પોતાની વાતને સાચી ઠેરવવાનો પ્રયત્ન કર્યો કે દુનિયાભરમાં દરેક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટ થઇ રહી છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકામાં રમી રહી છે. કાઉન્ટી ટીમો રમવા માટે આખી દુનિયામાં ફરી રહી છે. તેમણે કહ્યું કે આઇપીએલ દરમિયાન સાવચેતીના દરેક પગલા લેવામાં આવશે અને દરેક ટીમ સાથે એક મેડીકલ ટીમ જોડાયેલી જ છે.

(3:02 pm IST)