Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

બેસ્ટ ઓફ લક ટીમ ઈન્ડિયા... હવે કપ લઈને જ આવજો

કાલે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો : સાંજે ૪:૩૦ થી જીવંત પ્રસારણઃ જોગાનુજોગ ભારતીય મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરનો પણ જન્મદિવસ છે : ક્રિકેટપ્રેમીઓએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : આવતીકાલે ૮ માર્ચે ભારતના મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌરનો ૩૧મો જન્મદિન છે અને યોગાનુયોગ, એ જ દિવસે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં મહિલા ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલ મેચ રમવાની છે. તો શું એ દિવસે આપણી બર્થ ડે ગર્લ હરમનના હાથમાં ભારતીય મહિલા ક્રિકેટની પહેલી વિશ્વ વિજેતા ટ્રોફી જોવા મળશે કે શું? એ દિવસે 'મહિલા દિન' પણ છે એટલે સોનામાં સુગંધ ભળવા જેવું થશે. આવતીકાલે ભારતીય સમય સુધી સાંજે ૪:૩૦ વાગ્યાથી ફાઈનલ જંગ રમાશે.

ક્રિકેટ જગતના સૌથી લોકપ્રિય દેશ ભારતની અને સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈની પ્રતિનિધિ સમાન હરમનપ્રીત માટે અને તેની આગેવાનીવાળી ભારતીય ટીમ માટે જો નસીબમાં લખાયુ હશે તો ૮મી માર્ચ જરૂર સુવર્ણ અક્ષરે લખાશે.

આવી આશા રાખીએ એમાં કંઈ ખોટુ નથી. આ આશાને ફળીભૂત કરાવે એ માટે ઘણા કારણો છે. પહેલુ કારણ એ છે કે આપણી મહિલા ક્રિકેટરો કયારેય કોઈ વર્લ્ડકપ નથી જીતી અને આ વખતે ટ્રોફી પર કબજો કરવા તેમનામાં અભૂતપૂર્વ જોશ અને જુસ્સો છે. બીજુ છેલ્લા ત્રણ વર્ષમાં આપણી મહિલાઓ બે વર્લ્ડકપની ટ્રોફી જરાક માટે ચૂકી ગઈ હતી. ૨૦૧૭માં આપણે વન-ડેના વિશ્વકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૯ રનથી હારી ગયા હતા અને ૨૦૧૮માં ટી-૨૦ના વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પહોંચીને ફરી બ્રિટીશ ટીમ સામે ૮ વિકેટે પરાજીત થયા હતા. ત્રીજુ હરમનપ્રીત કૌર ૨૦૧૭ના વન-ડેના વર્લ્ડકપમાં અને ૨૦૧૮ના ટી-૨૦ વર્લ્ડકપમાં ઘણુ સારૂ રમી હતી એટલે હવે આ વખતે ૨૦૨૦નો ટી-૨૦ વિશ્વકપ ભારતને જીતાડવાની તૈયારીમાં જ છે.

ભારતીય ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન, ઓલરાઉન્ડર), સ્મૃતિ મંધાના (ઓપનીંગ બેટ્સવુમન), શેફાલી વર્મા (ઓપનીંગ બેટ્સમેન), તાનીયા ભાટીયા (વિકેટકીપર), જેમાઈ રોડ્રીગ્સ (બેટ્સવુમન), હર્લીન દેઓલ (ઓફ સ્પિન બોલીંગ ઓલરાઉન્ડર), રાજશ્રી ગાયકવાડ (લેફટ-આર્મ સ્પિનર), રીચા ઘોષ (પેસ બોલીંગ ઓલરાઉન્ડર), વેદા કૃષ્ણમૂર્તિ (બેટ્સવુમન), શિખા પાન્ડે (પેસ બોલર), પૂનમ યાદવ (લેગ સ્પિનર), અરૃંધતી રેડ્ડી (પેસ બોલીંગ ઓલરાઉન્ડર), દિપ્તી શર્મા (ઓફ સ્પિન બોલીંગ ઓલરાઉન્ડર), પૂજા વસ્ત્રાકર (પેસ બોલર) અને રાધા યાદવ (લેફટ આર્મ સ્પિનર).(૩૭.૧૦)

 

(1:05 pm IST)