Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મુંબઇ ઇન્‍ડિયન્‍સના ફાસ્‍ટ બોલર જશપ્રીત બુમરાહે આઇપીએલની 13મી સિઝનમાં અત્‍યાર સુધી 27 વિકેટ ઝડપીને પ્રથમ ક્રમે આવીને રેકોર્ડ બનાવ્‍યો

દુબઇ: મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ સામે દિલ્હી કેપિટલના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. બોલ્ટ અને બુમરાહે મળીને દિલ્હીની ટીમની વિકેટ ખેરવીને પ્રથમ ક્વાલીફાયર મેચમાં જીત અપાવીને મુંબઈને IPL-2020ની ફાઈનલ મેચમાં પહોંચાડી દીધી છે.

આ મેચમાં જસપ્રીત બુમરાહની બોલિંગ ખૂબ જ ઘાતક રહી અને તેણે પોતાની IPL કેરિયરની શ્રેષ્ઠ બૉલિંગ પણ કરી. બુમરાહે આ મેચમાં દિલ્હીની ટીમ વિરુદ્ધ પોતાની 4 ઓવરના સ્પેલમાં 14 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. જેમાં એક મેઈડન ઓવર પણ ફેંકી હતી.

બુમરાહે ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવન અને ડેનિયલ સેમ્સને શૂન્ય રને આઉટ કર્યાં હતા. જ્યારે સારી બેટિંગ કરી રહેલા અને મુંબઈની જીત માટે મુસિબત બની બેઠેલા સ્ટાઈનિસને 65 રને પેવેલિયન પરત મોકલી દીધા હતા. બુમરાહે દિલ્હીની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરને પણ 12 રનના સ્કોરે પોતાનો શિકાર બનાવ્યા હતા.

બુમરાહ પોતાની આ ઘાતક બોલિંગના જોરે IPLની આ સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટો ઝડપનાર બોલર પણ બની ગયો છે. IPLની એક સિઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાની કરામત વર્ષ 2017માં ભુવનેશ્વર કુમારે કરી બતાવી હતી. ભુવનેશ્વર કુમારે તે સિઝનમાં 26 વિકેટો ઝડપી હતી. હવે બુમરાહે તેને રેકોર્ડ તોડી નાંખ્યો છે અને IPLની 13મીં સિઝનમાં અત્યાર સુધી 27 વિકેટ ઝડપીને પ્રથમ ક્રમે આવી ગયો છે.

IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ભારતીય બોલર

- જસપ્રીત બુમરાહ 27 વિકેટ (2020)

- ભુવનેશ્વર કુમાર -26 વિકેટ (2017)

- હરભજન સિંહ- 24 વિકેટ (2013)

- જયદેવ ઉનડકટ- 24 વિકેટ (2017)

દિલ્હી વિરુદ્ધની પ્રથમ ક્વાલીફાયર મેચમાં મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 200 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમનું પ્રદર્શન શરૂઆતથી જ નિરાશાજનક રહ્યું હતું. દિલ્હીની ટીમની 3 વિકેટો શૂન્ય રન પર જ પડી ગઈ હતી.

મેચની બીજી ઈનિંગ્સની પ્રથમ ઓવરમાં જ મુંબઈના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણેને શૂન્ય રનના સ્કોરે આઉટ કરી દીધા હતા. જે બાદ પછીની ઓવરમાં બુમરાહે શિખર ધવનને શૂન્ય પર આઉટ કરીને ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી.

જે બાદ સ્ટાઈનિસે 65 અને અક્ષર પટેલે 42 રન ફટકારીને સંઘર્ષ કર્યો, પરંતુ તેઓ ટીમને જીતાડી શક્યા નહતા અને આખી ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આમ મુંબઈની ટીમે આ મેચમાં 57 રને વિજય મેળવીને આ સિઝનની પ્રથમ ફાઈનલિસ્ટ બની ગઈ છે.

(5:04 pm IST)