Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

લખનૌની મેચ પણ રહેશે લો-સ્કોરીંગ

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી-૨૦ : સાંજે ૭ વાગ્યાથી જંગ : કયુરેટરના જણાવ્યા પ્રમાણે આ પીચ પર ૧૩૦ રનનો લક્ષ્યાંક મેળવવો પણ મુશ્કેલ : ત્રણ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ ૧-૦થી આગળ

નવાબોના શહેર ગણાતા લખનૌમાં આજે જયારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટી-૨૦ મેચ રમવા ઉતરશે ત્યારે એનો લક્ષ્યાંક માત્ર મેચ જીતવાનો જ નહિં, પરંતુ સિરીઝ પર પણ કબ્જો કરવાનો હશે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝની બીજી મેચ નવનિર્મિત ઈકાના સ્ટેડિયમમાં રમાશે જે આ સ્ટેડિયમમાં રમાનારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. જો ભારતીય ટીમ આ સીરીઝ જીતી જાય તો વેસ્ટ ઈન્ડિઝ સામે એની ત્રીજી સીરીઝ જીત હશે. આ પહેલા ભારતે ટેસ્ટ સીરીઝમાં ૨-૦ અને વન-ડે સીરીઝમાં ૩-૧થી જીત મેળવી હતી.

વેસ્ટ ઈન્ડિઝનું લક્ષ્ય પણ આ મેચમાં પોતાની શાખ બચાવવાનું છે. એ આગામી બંને મેચ જીતીને પોતાના આત્મસન્માનની રક્ષા કરવાનો પ્રયાસ કરશે. કલકતામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે પાંચ વિકેટથી જીત મેળવી હતી. પિચ બનાવનારા સ્થાનિક કયુરેટરે કહ્યું હતું કે, પહેલા બેટીંગ કરનારી ટીમ માટે ૧૩૦ કરતા વધુનો સ્કોર વિજયી સાબિત થઈ શકે. આ મોટો સ્કોરવાળી મેચ નહિં હોય. પિચની બંને તરફ સૂ કું ઘાસ છે અને વચ્ચેથી તૂટેલી છે એથી શરૂઆતથી જ સ્પિનરો મોટી ભૂમિકા ભજવે તેવી આશા છે. આ પીચ માટે ઓડીશાના બાંલગીરની માટી મગાવવામાં આવી છે જે પીચને સ્લો બનાવવા માટે જાણીતી છે. બંને ટીમોને રન બનાવવા અને મોટા શોટ ફટકારવામાં મુશ્કેલી પડશે.

પિચ પર કામ કરનારા અન્ય એક કયુરેટરે કહ્યું હતું કે જો પીચ તૈયાર કરવા માટે સ્થાનિક માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ઘણા રન બન્યા હોત. આઉટફિલ્ડ ઝડપી છે. પરંતુ ઝાકળ મહત્વની ભૂમિકા ભજવશે. ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.(૩૭.૭)

(3:12 pm IST)