Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વોશિંગ્ટન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાંથી એન્ડી મરેએ ખસી જવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી:બ્રિટનના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર એન્ડી મરેએ વોશિંગ્ટન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાંથી ખસી જવાનો નિર્ણય લેતાં ઓસ્ટ્રેલિયાના ડે મિનારને આસાનીથી આગેકૂચ પ્રાપ્ત થઈ હતી. મરે અને રોમાનિયાના કોપિલ વચ્ચેની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મધરાત બાદ છેક પરોઢના ૩ વાગ્યા સુધી ચાલી હતી, જેમાં મરે જીત્યો હતો. જોકે તેને બીજા જ દિવસે ક્વાર્ટર ફાઈનલ રમવાની હતી. હાલમાં તે ફિટનેસ મેળવીને પુનરાગમન કરી રહ્યો હોવાથી તેને ફરી ઈજા થવાની શક્યતા રહેલી છે. મરેએ વ્યસ્ત કાર્યક્રમ અને પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને ક્વાર્ટર ફાઈનલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેણે આવતા સપ્તાહે કેનેડામાં શરૃ થઈ રહેલા રોજર્સ કપમાં પણ ભાગ નહિ લેવાની જાહેરાત કરી દીધી છે. જોકે મરે ત્યાર બાદ સિનસિનાટી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. દરમિયાનમાં ટોપ સીડ તરીકે રમી રહેલા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ૩-૬, ૬-૧, ૬-૪થી સાતમો સીડ ધરાવતા જાપાનીઝ ખેલાડી નિશિકોરીને હરાવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે રમાયેલી મેચમાં ગ્રીસના સીત્સીપાસે અપસેટ સર્જતાં ત્રીજો સીડ ધરાવતા ડેવિડ ગોફિન સામે ૬-૩, ૬-૪થી જીત મેળવી હતી. હવે ઝ્વેરેવ અને સીત્સીપાસ વચ્ચે વોશિંગ્ટન ઓપનની સેમિ ફાઈનલ રમાશે.

 

(3:59 pm IST)