Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

ભારત-ચીન વચ્ચે ડેવિસ કપનું આયોજન

નવી દિલ્હી:ભારત અને ચીન વચ્ચે આવતીકાલથી ડેવિડ કપ વર્લ્ડ ગુ્રપ પ્લે ઓફ ટાઈ શરૃ થશે, ત્યારે બધાની નજર લેજન્ડરી ડબલ્સ સ્ટાર લિએન્ડર પેસ પર રહેશે. ૪૪ વર્ષના લિએન્ડર પેસને ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ મેચો જીતવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તક છે. જોકે ચીનના અત્યંત ઠંડા વાતાવરણમાં ભારતીય ખેલાડીઓની કસોટી થશે તે નક્કી છે. લિએન્ડર પેસ તેની કારકિર્દીમાં ડેવિસ કપની ૪૨ ડબલ્સ મેચો જીતી ચૂક્યો છે અને તેણે ડેવિસ કપમાં સૌથી વધુ મેચો જીતવાના ઈટાલીના લેજન્ડરી સ્ટાર નિકોલા પાઈટ્રાન્જેલીના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. હવે જો ચીન સામેની ટાઈ દરમિયાન લિએન્ડર અને બોપન્નાની જોડી ડબલ્સ મેચ જીતી લેશે તો લિએન્ડર રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરી લેશે. ફેબુ્રઆરી, ૨૦૧૭માં પુણેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ડેવિસ કપ ટાઈ રમાઈ ત્યારે લિએન્ડરને આ વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક હતી. જોકે ભારત ટાઈમાં એકમાત્ર ડબલ્સ મેચ જ હાર્યું હતુ અને લિએન્ડર રેકોર્ડ ચુકી ગયો હતો. આ પછી બેંગાલુરુમાં ભારત અને ઉઝબેકિસ્તાનની ડેવિસ કપ ટાઈ રમાઈ ત્યારે નોન પ્લેઈંગ કેપ્ટન મહેશ ભૂપતિએ લિએન્ડર પેસને પડતો મુકીને બોપન્નાની સાથે શ્રીરામ બાલાજીને રમાડતા વિવાદ સર્જાયો હતો. જોકે લિએન્ડરને આ વખતે વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તક મળી છે. અગાઉ જ્યારે ડેવિસ કપ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે બોપન્નાએ પેસની સાથે જોડી જમાવવાનો ઈનકાર કર્યો હતો. જોકે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને બોપન્નાની રજુઆત ઠુકરાવીને તેને પેસ સાથે જોડી જમાવવા જણાવ્યું હતુ. તાજેતરમાં ઈન્ડિયન વેલ્સ અને માયામી માસ્ટર્સમાં મેન્સ સિંગલ્સ ડ્રોમાં ક્વોલિફાય થનારો યુકી ભામ્બ્રી ઈજાના કારણે ખસી ગયો છે.  જેના કારણે ભારતનો મદાર સિંગલ્સમાં રામકુમાર રામનાથન પર અને યુવા ખેલાડી સુમિત નાગલ પર રહેશે.
 

(4:45 pm IST)