Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ટેસ્ટ ક્રિકેટમાં સારો દેખાવ કરવામાં ઘણો સંતોષ મળતો હોય છે: કોહલી

નવી દિલ્હી: રનોની જબરી ભૂખ ધરાવતો વિરાટ કોહલી કહે છે કે ટેસ્ટ ક્રિકેટમાં સારો દેખાવ કરવામાં પોતાને ઘણો સંતોષ મળે છે કે જે પ્રકારની ક્રિકેટમાં તેને પોતાના સાથી ખેલાડી ચેતેશ્ર્વર પૂજારાને લાંબા સમય સુધી બૅટિંગ કરતો નિહાળવામાં પોતે પ્રવીણતા મેળવી છે. કોહલીએ પોતાની ફક્ત ૨૯ વર્ષની વયમાં વિશ્ર્વના એક મહાન ખેલાડી તરીકેની પ્રતિષ્ઠા કેળવી છે અને સુકાની તરીકે સૌથી વધુ બેવડી સદી (૬) નોંધાવાનો તેણે બ્રાયન લારાનો વિક્રમ શ્રીલંકા સામે અહીંની ટેસ્ટ મેચમાં તોડ્યો હતો.

"ટેસ્ટ ક્રિકેટ મારું ઘણું માનીતું છે કારણ કે તેમાં સારો બૅટિંગ અથવા બૉલિંગ કરવામાં બહુ આનંદ મળતો હોય છે, એમ કોહલીએ એક ટેલિવિઝન કાર્યક્રમમાં કહ્યું હતું. કોહલીએ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયામાં જુદી જુદી પરિસ્થિતિમાં રમવું પડતું હોવાથી ટેસ્ટ ક્રિકેટમાં સારો દેખાવ કર્યા પછી ઘણો સંતોષ મળતો હોય છે. તેણે કહ્યું હતું કે વન-ડે અને ટી-૨૦ રમતમાં પણ સ્ટેડિયમમાં દર્શકોની ભરચક હાજરી વચ્ચે જ્યારે વિજય મળતા ઘણી લાગણીપ્રધાન વાત બને છે, પણ ટેસ્ટ ક્રિકેટનો આનંદ બિલકુલ જુદો હોય છે. કોહલીએ કહ્યું હતું કે તેના સાથી ખેલાડી પૂજારાથી તે મોટા સ્કોર નોંધાવવા પ્રેરિત બન્યો છે અને તેને રમતો નિહાળી પોતે લાંબા સમય સુધી દાવમાં રહેવાનું શીખ્યો છે. તેણે કહ્યું હતું કે પૂજારાની બૅટિંગમાં એકાગ્રતા અને લાંબા સમય સુધી રમવાની લગનથી પોતે પ્રેરિત થયો હતો.

ભારતીય કેપ્ટન કોહલીએ તેની બધી છ બેવડી સદી છેલ્લાં ૧૭ મહિનામાં ફટકારી છે અને તેના નામે ક્રિકેટના દરેક પ્રકારમાં ૫૨ સદી નોંધાઈ છે.

 

(8:57 am IST)